બજારમાં 80% ઘરાકી નથી, ચોમાસુ મોડું થતાં રાજકોટની બજારમાં મંદી
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં સામાન્ય રીતે 15 જૂન બાદ વિધિવત રીતે ચોમાસાનું આગમન થઈ જતું હોય છે. ત્યારે અત્યારે સુધીમાં રાજકોટ શહેર જિલ્લામાં નોંધપાત્ર પાણી પડ્યું નથી. જેથી ખેડૂતો સહીત જિલ્લાવાસીઓ તો ચિંતાતુર બન્યા છે. વરસાદ ખેંચાતા લોકો છત્રી અને રેઇનકોટની ખરીદી પણ ન કરી રહ્યા હોવાથી છત્રી અને રેઇનકોટના વેપારીઓ પણ ચિંતાતુર બન્યા છે.તો બીજી તરફ પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને પહોંચતા ટ્રાન્સપોર્ટેશન મોંઘુ બનતા આ વર્ષે છત્રી અને રેઇનકોટના ભાવમાં 30થી 35 ટકાનો વાધરો જોવા મળ્યો છે.
સમગ્ર દેશ અને દુનિયામાં કોરોનાની મહામારીને લીધે ધંધા ઉદ્યોગમાં ભારે મંદી જોવા મળી રહી છે જેની અસર રાજકોટ જીલ્લામાં પણ વર્તાઇ રહી છે. પેટ્રોલ ડીઝલના ભાવ વધતા છત્રી અને રેઇનકોટના ભાવમાં 30 થી 35 ટકાનો વાધરો જોવા મળ્યો છે.જુદા જુદા વર્ગ મુજબ જુદી-જુદી છત્રીઓની ખરીદી કરવામાં આવે છે જેમાં ખેડૂતો અને લાંબા અંતરની મુસાફરી કરનાર લોકો છત્રીસ તારવાળી છત્રીઓની ખરીદી કરે છે. જયારે શહેરીજનોમાં પુરુષો 18 થી 22 તારવાળી છત્રીઓ ખરીદે છે જયારે કે મહિલાઓ 16 તારવાળી નાની લેડીઝ છત્રીઓની ખરીદી કરે છે. પરંતુ હજુ સુધી છત્રીઓની ખાસ થતી ખરીદી બજારમાં જોવા મળી રહી નથી ત્યારે વેપારીઓએ જણાવ્યું હતું કે વરસાદ વરસવાની શરૂ થાય ત્યારે ચાલુ વરસાદે કુલ વેપારના 50 ટકા જેટલી છત્રીઓનું વેચાણ થાય છે.
- Advertisement -
વરસાદ આવશે તો જ ઘરાકી !
વરસાદ આવતા લોકોમાં છત્રી- રેઇનકોટની માગ જોવા મળીતી હોય છે અને સામાન્ય રીતે લોકો વધુ વરસાદ વરસે ત્યારે ચાલુ વરસાદે મોટાભાગે ખરીદી કરતા હોય છે જેથી વરસાદ આવશે તો જ ઘરાકી આવશે. વેપારી (ત્રિકોણબાગ)
લોકો ચાલુ વરસાદે જ ખરીદી કરે છે, વરસાદ નહીં આવે તો અમારે મુશ્કેલી
રાજકોટ શહેર અને જિલ્લામાં હજુ સુધી જોઈએ તેવો વરસાદ પડ્યો નથી અને બીજી તરફ પેટ્રોલ ડિઝલનો ભાવ વધતા છત્રી- રેઇનકોટના ભાવ પણ વધ્યા છે. સામાન્ય રીતે ચાલુ વરસાદે મોટાભાગના લોકો ખરીદી કરતા હોય છે. જેથી વરસાદ નહિ આવે તો અમારા પર પડ્યા પર પાટું લાગવા જેવી સ્થિતિ થશે.


