સંસ્થાની મહિલા ટીમે રાખડી બાંધી, ભોજન કરાવીને અનોખી સેવા કરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રક્ષાબંધન અને જન્માષ્ટમીના પવિત્ર તહેવારોના પર્વ નિમિત્તે ઉમા સારથી ફાઉન્ડેશન દ્વારા એક માનવતાભર્યો સેવા કાર્યક્રમ યોજાયો હતો. ફાઉન્ડેશનની મહિલા ટીમે માનસિક ક્ષતિગ્રસ્ત ભાઈઓના આશ્રમની મુલાકાત લીધી અને પ્રેમપૂર્વક રાખડી બાંધી, મોઢું મીઠું કરાવીને તેમજ તેમને સ્વાદિષ્ટ ભોજન કરાવીને તહેવારોની ઉજવણી કરી હતી.
આ પ્રસંગે, ફાઉન્ડેશનના અધ્યક્ષ જ્યોતીબેન ટીલવાએ જણાવ્યું કે, “રાખડીનો સાચો અર્થ માત્ર દોરો બાંધવાનો નથી, પરંતુ એકબીજાની સુરક્ષા, સંવેદના અને સ્નેહને મજબૂત કરવાનો છે.” ફાઉન્ડેશનના સહ-અધ્યક્ષ કિશનભાઈ ટીલવાએ ઉમેર્યું કે, “આ નિર્દોષ ચહેરાઓ પરનું સ્મિત જ અમારા માટે સૌથી મોટો આશીર્વાદ છે.”
આ સેવાકાર્યક્રમમાં ઉપસ્થિત ફાઉન્ડેશનના સભ્યોએ ભવિષ્યમાં પણ આવા સેવા અને સમાજહિતના કાર્યો ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જ્યોતીબેન ટીલવા, કિશનભાઈ ટીલવા, રીટાબેન કાલાવડીયા, ભાવનાબેન રાજપરા, અને અન્ય સભ્યો સહિત સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી.