58 સપ્તાહથી મિશન નેચર ફર્સ્ટનું અભિયાન
ખાસ-ખબર સંવાદદાતા
જુનાગઢ મિશન નેચર ફર્સ્ટ દ્વારા છેલ્લા 58 સપ્તાહથી દર રવિવારે નેચર ફર્સ્ટના માધ્યમથી પ્રકૃતિ નું જતન અંતર્ગત ગિરનાર જંગલના અલગ અલગ વિસ્તારોમાં દર રવિવારે પ્લાસ્ટિક મુક્ત ગીરનાર જંગલ અભિયાન ચલાવવામાં આવે છે. ત્યારે તાજેતરમાં જ ગીરનાર જંગલમાં પરિક્રમા થઈ હતી જેમાં બાર લાખ જેટલાં લોકોએ આ પરિક્રમા પૂર્ણ કરેલ હોય અને પરિક્રમા દરમ્યાન તંત્ર દ્વારા પ્લાસ્ટિક જંગલમાં ન લઈ જવુ તથા પ્લાસ્ટિક જંગલમાં ન ફેંકવું સહિતના આદેશો કરવામાં આવ્યા હોવા છતાં લોકો દ્વારા જંગલ વિસ્તારમાં હજારો કીલો પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવ્યો અને એ પ્લાસ્ટિક જંગલમાં જ્યાં ત્યાં ફેંકવામાં આવ્યું હતું. ત્યારે આ લોકો દ્વારા જંગલમાં ફેંકવામાં આવેલ પ્લાસ્ટિકનો નાશ કરવા માટે આજે નેચર ફર્સ્ટ – જુનાગઢની ટીમ દ્વારા 58મું સપ્તાહ પ્લાસ્ટિક મુક્ત અભિયાન યોજવામાં આવ્યું હતું. જેમાં નેચર ફર્સ્ટની સાથે હ્યુમાનિટી ફર્સ્ટ ગ્રુપ – જુનાગઢ તથા ભારત વિકાસ પરિષદ – માણાવદર સહિત મહિલાઓ તથા બાળકો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાઈ અને બોરદેવી આસપાસના જંગલ વિસ્તારમાં મહા પ્લાસ્ટિક મુક્તિ અભિયાન યોજીને આશરે બે ટન જેટલાં પ્લાસ્ટિકનો નાશ કરવામાં આવ્યો હતો. તેમજ સાથે સાથે પ્લાસ્ટિક મુક્તિ અભિયાન દરમ્યાન આજે બોરદેવી ખાતે આવેલા હજારો લોકો ત્યાં જમવાનું બનાવીને પ્લાસ્ટિક કચરો ત્યાંજ ફેંકીને ચાલ્યા જતા હોય એવા લોકોને પ્લાસ્ટિક પ્રકૃતિની સાથે માણસને પણ નુકશાન પહોંચાડે છે, માટે જ્યાં ત્યાં પ્લાસ્ટિક ન ફેંકવા પણ સમજાવવામાં આવ્યા હતા, અને જે લોકોએ અમારી નજરની સામે જ્યાં ત્યાં પ્લાસ્ટિક ફેંક્યું હતું, તેવા લોકોને પોતે ફેંકેલું પ્લાસ્ટિક તેમની પાસે ભેગું કરાવ્યું અને એવા લોકોને નેચર ફર્સ્ટ દ્વારા થેલીઓ આપવામાં આવી અને એ લોકોએ ફેંકલું પ્લાસ્ટિક થેલામાં નખાવ્યું હતું.