ભારતીય સેના આતંકવાદ વિરૂદ્ધ એક-પછી એક ઓપરેશન હેઠળ આતંકીઓને ઠાર કરી રહી છે. આજે ભારતીય સેનાની વ્હાઈટ નાઈટ કોરએ જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં LOC પર એક સફળ આતંકવાદ વિરોધી અભિયાન ઓપરેશન શિવશક્તિ હાથ ધર્યું હતું. આ ઓપરેશનમાં સેનાએ બે આતંકવાદીઓને ઠાર કર્યા છે, આ આતંકવાદીઓ સરહદ ઓળંગી ઘૂસણખોરી કરી રહ્યા હતાં. તેમની પાસેથી ત્રણ હથિયાર પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસના ગુપ્ત સુત્રોએ આ આતંકવાદીઓ વિશે બાતમી આપી હતી.
વ્હાઈટ નાઈટ કોરએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ઓપરેશન શિવશક્તિ અંગે માહિતી આપી હતી. પોસ્ટમાં લખ્યું હતું કે, અમારી સતર્ક સેનાએ સટીક લક્ષ્યો દ્વારા ત્વરિત કાર્યવાહી હાથ ધરી આતંકવાદીઓના નાપાક ઈરાદાઓને નિષ્ફળ બનાવ્યા છે. આ અભિયાન બુધવારે સવારે શરૂ થયુ હતું. જે હાલ ચાલુ છે. સેનાએ જણાવ્યું કે, આ ઓપરેશન અમારા ગુપ્ત એકમો અને જમ્મુ-કાશ્મીર પોલીસના સંયુક્ત કામગીરી દ્વારા સંચાલિત કરવામાં આવ્યું છે. જે સફળ રહ્યું છે.
- Advertisement -
ભારતીય સેનાએ અગાઉ સોમવારે જમ્મુ-કાશ્મીરમાં ઓપરેશન મહાદેવ હાથ ધર્યું હતું. જેમાં ત્રણ આતંકવાદીઓ ઠાર થયા હતા. આ ત્રણેય આતંકવાદીઓ પહલગામ હુમલામાં સામેલ હતાં. આતંકવાદી સુલેમાન લશ્કર એ તૈયબાનો એ ગ્રેડ કમાન્ડર હતો અને તે પહલગામ હુમલામાં સામેલ હતો. અફઘાન અને જિબ્રાન પણ A ગ્રેડ આતંકવાદી હતા. સુલેમાન પહલગામ અને ગગનગીર આતંકી હુમલામાં સામેલ હતો. ગઈકાલે લોકસભામાં કેન્દ્રીય ગૃહ મંત્રીએ આ અંગે માહિતી આપી હતી.
પહલગામ હુમલા બાદ મોટાપાયે સર્ચ ઓપરેશન
જમ્મુ-કાશ્મીરના પહલગામની બૈસરન ખીણમાં 22 એપ્રિલે આતંકી હુમલા બાદ ભારતીય સેના અને સુરક્ષાદળોએ આતંકવાદીઓનો સફાયો કરવા રાજ્યમાં મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. જેમાં આતંકવાદીઓની શોધ કરી તેમના એન્કાઉન્ટર થઈ રહ્યા છે. પહલગામ હુમલા બાદ ભારતીય સેનાની ત્રણેય પાંખે ઓપરેશન સિંદૂર હાથ ધરી પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબા સહિતના આતંકી સંગઠનોના નવ ઠેકાણા નષ્ટ કર્યા હતાં. જેમાં 100થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતાં.