શક્તિ ચોક વિસ્તારમાં વૃદ્ધે જ્વલંતશીલ પદાર્થ છાંટી જીવ દીધો; બેલા ગામ નજીક પત્ની સાથે બોલાચાલી બાદ યુવાનનો ગળાફાંસો ખાવાનો પ્રયાસ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
મોરબી શહેરમાં આત્મહત્યાના બે અલગ-અલગ બનાવો સામે આવ્યા છે, જેમાં એક વૃદ્ધનું મૃત્યુ થયું છે, જ્યારે એક યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પ્રથમ બનાવમાં, ગેસ્ટ હાઉસ રોડ પાસેના શક્તિ ચોક નજીક ફુલગલી વિસ્તારમાં રહેતા યુસુફભાઈ ઈબ્રાહીમભાઇ ગોપલાણી (ઉંમર 58) એ ગુરુવારે રાત્રે આશરે 12:30 વાગ્યાના સુમારે પોતાના શરીર પર જ્વલંતશીલ પદાર્થ છાંટી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ગંભીર રીતે દાઝી ગયેલા યુસુફભાઈને તાત્કાલિક રાજકોટ ખસેડાયા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું અવસાન થયું હતું.
- Advertisement -
મોરબી એ ડિવિઝન પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. બીજા બનાવમાં, મૂળ મધ્યપ્રદેશનો વતની અને હાલ મોરબીના બેલા નજીક એરસન પ્લાસ્ટર કંપનીના લેબર ક્વાર્ટરમાં રહેતો 22 વર્ષીય યુવાન ગૌતમ મગનભાઈ ખરાડી એ કારખાનામાં ગળાફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ, પત્ની સાથે બોલાચાલી થયા બાદ અને પત્ની જતી રહ્યા બાદ યુવાને આ પગલું ભર્યું હતું. તેને તાત્કાલિક મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. આ બનાવ અંગે તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી છે.



