મોરબી ક્રાઈમ બ્રાન્ચ ટીમે ગણતરીના દિવસોમાં ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો
ખાસ-ખબર સંવાદદાતા
તા. 28 ડિસેમ્બરના રોજ રાત્રીના સમયે માળીયા તાલુકાના સરવડ ગામે સાત જેટલા બંધ મકાનના તાળા તોડીને ઘરમાં રાખેલ રોકડા રૂપીયા તથા સોના ચાંદીના દાગીના મળી કુલ રૂ. 1,65,800 ની માલમત્તાની કોઇ અજાણ્યા શખ્સો ચોરી કરી ગયા હોય જે અંગે માળીયા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. આ ગુન્હો ડિટેક્ટ કરવા એલસીબી/પેરોલ ફર્લો સ્ક્વોડની અલગ અલગ ટીમોએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ દરમિયાન હ્યુમન ઈન્ટેલીજન્સ તથા ટેકનીકલ માધ્યમો મારફતે અગાઉ ચોરીના ગુનામાં પકડાયેલ ધીરૂભાઇ કેશાભાઇ વાજેલીયા (રહે. ચૂંપણી તા. હળવદ) તથા તેના સાગરીતોએ આ ગુનાને અંજામ આપ્યો હોવાની ચોકકસ બાતમીના આધારે માળીયા ફાટક પાસે પોલીસ ટીમોએ વોચ ગોઠવીને ધીરૂભાઇ કેશાભાઇ વાજેલીયા (ઉં.વ. 52) અને સાજનભાઇ વિરજીભાઇ ચાડમીયા (ઉં.વ. 21, રહે. લતીપર રોડ, ડાયર્વજન પાસે, ધ્રોલ) ને પીળી ધાતુની કાનમાં પહેરવાની પટ્ટી ડિઝાઇનવાળી બુટ્ટીની એક જોડી (કિં.રૂ. 6500), પીળી ધાતુના નાકમાં પહેરવાના બે દાણા (કિં.રૂ. 1000), પીળી ધાતુનો એક ચેઈન (કિં.રૂ. 38,300), પીળી ધાતુની બે વીંટીઓ (કિં.રૂ. 33,000), સફેદ ધાતુના 20 સીક્કા (કિં.રૂ. 6000) અને રોકડા રૂપીયા 70,600 મળી કુલ રૂ. 1,65,850 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા.
આ આરોપીઓ રાત્રીના સમયે ગ્રામ્ય વિસ્તારમાં જઈને બંધ મકાનના તાળા નકૂચા તોડી ઘરમાં પ્રવેશ કરી રોકડ રકમ, સોના-ચાંદીના દાગીનાની ચીજ વસ્તુની ચોરી કરવાની ટેવવાળા છે. આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પણ છે અને આ ગુન્હામાં પકડાયેલ આરોપી ધીરૂભાઇ કેશાભાઇ ચકાભાઇ વાજેલીયા સુરેન્દ્રનગર, રાજકોટ અને મોરબીમાં ઘરફોડ ચોરી તથા દારૂના અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે.