ખાસ-ખબર સંવાદદાતા
વાંકાનેરના પ્રતાપગઢ ગામની સીમમાં સરપંચની વાડીએ આવેલ 10 ઊંટના વીજ ટ્રાન્સફોર્મરની ચોરી કરવાનો પ્રયાસ કરતા બે ચોરો રંગેહાથ ઝડપાઈ ગયા હતા જેથી આ બાબતે વીજ કર્મચારી દ્વારા બંને ચોરો સામે વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ બનાવ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના પ્રતાપગઢ ગામની સીમમાં વાડી ધરાવતા સરપંચ અબુજીભાઈ વલીભાઈ શેરસીયાની વાડીમાં 10 ઊંટ વીજ ટ્રાન્સફોર્મર આવેલ હોય જેમાં આરોપી હુસેન બચુભાઇ સુમરા (રહે. જોન્સનગર, મોરબી) અને અલતાફશા ગુલાબશા શાહમદાર (મૂળ રહે. વાલાસણ, હાલ. લીલાપર રોડ, મોરબી) રાત્રીના ટી.સી. ના થાંભલા ઉપર ચડી 10 કિલોવોટનું ટ્રાન્સફોર્મર (કિં. રૂ. 60,000) ચોરી કરવાના ઈરાદે નીચે ઉતારતા હોય ત્યારે જ ત્યાં આજુબાજુના ખેડૂતો આવી જતા બંને ચોરોને રંગેહાથે ઝડપી લીધા હતા જે બાદ આ બાબતની જાણ પોલીસ અને જીઈબીને કરવામાં આવતા વીજ કંપનીના કર્મચારી હિતુલકુમાર હરજીવનભાઈ પટેલે ફરિયાદી બનીને બંને ચોરોને વાંકાનેર તાલુકા પોલીસ હવાલે કરી આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે આ બનાવમાં બંને ચોરો સામે ગુનો નોંધી બનાવની વધુ તપાસ હાથ ધરી છે.