નિવૃત્ત આર્મીમેન અને નાયબ કચેરીના રિટાયર્ડ પ્યૂનનું હૃદયરોગના હુમલાથી મોત
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ સહિત રાજ્યભરમાં હાર્ટ એટેકને લીધે અનેક માનવ જિંદગીના શ્વાસ થંભી રહ્યા છે. ત્યારે રાજકોટમાં વધુ બે માનવ જિંદગી હાર્ટ એટેકના કાળના ખપ્પરમાં હોમાઇ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં એક નિવૃત આર્મીમેન પોતાના ઘરે અને બીજા નાયબ કચેરીના રિટાયર્ડ પ્યુન ચા પીને સાયકલ લઈને ઘરે પરત ફરતા હતા. ત્યારે બેભાન હાલતમાં ઢળી પડતા મોત નીપજ્યું હતું. બંને વૃદ્ધના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રાજકોટમાં કુવાડવા રોડ ઉપર આવેલા રોહીદાસપરામાં રહેતા રમેશભાઈ પ્રેમજીભાઈ મકવાણા નામના 58 વર્ષના વૃદ્ધ રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતા. ત્યારે તેમને હૃદય રોગનો હુમલો આવતા બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા. રમેશભાઈ મકવાણાને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર કારગત નિવડે તે પૂર્વે ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી હતી. પ્રાથમિક પૂછપરછમાં મૃતક રમેશભાઈ મકવાણા ત્રણ ભાઈ ત્રણ બહેનમાં મોટા હતા. અને તેમને સંતાનમાં બે પુત્ર છે. રમેશભાઈ મકવાણા નિવૃત્ત આર્મીમેન હતા અને હાલ છૂટક મજૂરી કરી પરિવારને આર્થિક મદદ કરતા હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત બીજા બનાવમાં રાજકોટમાં લકવાડી વિસ્તારમાં રહેતા અશોકભાઈ પોપટભાઈ વાગડીયા નામના 60 વર્ષના વૃદ્ધ ગોવિંદનગરમાં હતા. ત્યારે બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા. વૃદ્ધને બેશુદ્ધ હાલતમાં તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી વૃદ્ધનું હૃદયરોગના હુમલાથી મોત નીપજયું હોવાનું જાહેર કરતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. પ્રાથમિક પૂછપરછમાં અશોકભાઈ વાગડિયા ચાર ભાઈ એક બહેનમાં નાના હતા અને તેમને સંતાનમાં એક પુત્ર છે. અશોકભાઈ વાગડિયા નાયબ કચેરીમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા હતા. હાલ તેઓ નિવૃત્ત જીવન જીવી રહ્યા હતા. અશોકભાઈ વાગડિયા ઘર પાસે સાયકલ લઈને ચા પીવા ગયા હતા અને પરત ફરતા હતા. ત્યારે હદયરોગનો હુમલો આવતા બેભાન હાલતમાં મોત નીપજયુ હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.