માસ્ટર માઇન્ડ યુવતીને ઝડપી લેવા દોડધામ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં વેપારી યુવકને હનીટ્રેપમાં ફસાવી રૂ.6.77 લાખ પડાવી લીધાના ગુનામાં આજીડેમ પોલીસે અરવિંદ અને સસ્પેન્ડેડ હોમગાર્ડ કિશનને ઝડપી લઈ કોર્ટમાં રજૂ કરાતા રવિવાર બપોર સુધીના રિમાન્ડ મંજુર થયા છે.
આજીડેમ પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કોઠારીયા રોડ રણુજા મંદિર નજીક પાન બીડીની એજન્સીના વેપારી યુવાનને યુવતીએ ફોન કરી મીઠી મીઠી વાતોમાં ફસાવી ગૌરીદળ ખાતે મસાજ કરાવવા બોલાવી ત્યાંથી મોરબી રોડ તરફ લઈ જતા ત્યાં બે શખ્સો ધસી આવ્યા હતા અને પોલીસની ઓળખ આપી યુવકને ગાંજાના કેસમાં ફિટ કરાવી દેવાની ધમકી આપી રૂમમાં લઈ જઈ યુવકના કપડાં કઢાવી ફોટા અને વીડિયો ઉતારી અલગ અલગ ટાઇમે બળજબરીથી રૂ.6,77,500 પડાવી લીધા હોય આ અંગે આજીડેમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો દરમિયાન પીઆઈ એલ એલ ચાવડા અને ટીમે આ ગુનામાં સંડોવાયેલ મૂળ અમરેલીના હાલ પારેવડી ચોકમાં રહેતા અરવિંદ ઉર્ફે અનિલ ઉર્ફે ટીકુ આંબાભાઇ ગજેરા અને મૂળ યુપીના હાલ આજી ડેમ ચોકડી પાસે આનંદનગરમાં રહેતા કૃષ્ણકુમાર ઉર્ફે કિશન સિંગાસન કુસવાહાની ધરપકડ કરી હતી. કિશન સસ્પેન્ડેડ હોમગાર્ડ છે. જ્યારે અરવિંદ અગાઉ કુટણખાના અને હનીટ્રેપ સહિત પાંચ ગુનામાં પકડાઈ ચૂક્યો છે બંનેને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે રવિવાર બપોર સુધીના રિમાન્ડ મંજુર કરતાં પોલીસે આગવી ઢબે પૂછપરછ શરૂ કરી છે. જ્યારે આ ગુનામાં સામેલ માસ્ટર માઈન્ડ યુવતી મનિષાને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.
હનીટ્રેપમાં ફસાવી 6.77 લાખ પડાવી લેનાર સસ્પેન્ડ હોમગાર્ડ સહિત બે રિમાન્ડ પર
