કેશોદમાં 14.28 લાખની મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલાયો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.17
- Advertisement -
કેશોદ શહેરમાં ગત 4 ડિસેમ્બરે મોબાઈલની દુકાનનું શટર તોડી થયેલી રૂ. 14.28 લાખની મોટી ચોરીનો ભેદ ઉકેલવામાં કેશોદ પોલીસને સફળતા મળી છે. બિહારના પૂર્વી ચંપારણ જિલ્લાની કુખ્યાત ‘ચાદર ગેંગ’ દ્વારા આ ચોરીને અંજામ આપવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે દિલ્હી ખાતેથી બે આરોપીઓને ઝડપી પાડી 20 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મેળવ્યા છે.
કેશોદમાં ગત 4 ડિસેમ્બરના રોજ એક મોબાઈલ શો-રૂમના શટરને વચ્ચેથી બેન્ડ વાળી ઊંચું કરી અજાણ્યા તસ્કરો અંદર પ્રવેશ્યા હતા. તસ્કરો દુકાનમાંથી રૂ. 10.29 લાખની કિંમતના 66 નંગ મોબાઈલ, ઈયર બડ્સ અને રૂ. 3.97 લાખ રોકડા મળી કુલ રૂ. 14,28,748/ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
રેન્જ આઈજી નીલેશ જાંજડીયા અને એસપી હર્ષદ મહેતાના માર્ગદર્શન હેઠળ કેશોદ ડીવાયએસપી બી.સી. ઠક્કર એલસીબી ટિમ દ્વારા ટેકનિકલ એનાલિસિસની મદદથી તપાસ હાથ ધરી હતી.
આ ચોરીમાં બિહારની ‘ચાદર ગેંગ’ સામેલ હોવાનું જણાતા પોલીસની ટીમ દિલ્હી પહોંચી હતી અને ત્યાંથી રાહુલ નમોનાથપ્રસાદ જયસ્વાલ અને મહંમદ સફીક સુખલમીંયા તૈલી આ બંને રહે. બિહાર, હાલ દિલ્હી આરોપીઓની ધરપકડ કરી હતી. ઝડપાયેલ આરોપી રાહુલ જયસ્વાલ વિરુદ્ધ પાટણ, હરિયાણા અને રાજસ્થાનમાં પણ ગુના નોંધાયેલા છે, જ્યારે મહંમદ સફીક પાટણના ગુનામાં નાસતો-ફરતો હતો. આ કેસમાં હજુ ત્રણ આરોપીઓ વસીરખાન ઉર્ફે નેપાલી, મહંમદ સમીર અને મઝહરને પકડવાના બાકી છે. પોલીસ હાલ મુદ્દામાલ રિકવર કરવા અને અન્ય સાગરીતોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.



