લાખોના ખર્ચે નિર્માણ ગટર બે મહિનામાં જ પડી ભાંગી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.9
મૂળી તાલુકાના રાયસંગપર ગામે બે મહિના પૂર્વે લાખ્ખોના ખર્ચે બનાવેલી ભૂગર્ભ ગટર બે મહિના જેટલા સમયમાં જ ભાંગી પડતા ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. ભૂગર્ભ ગટર ભાંગી પડવાના લીધે રોડ પરથી સ્થાનિક ગ્રામજનોને ભયજનક સ્થિતિમાં નીકળવું પડે છે. જે સમયે આ ભૂગર્ભ ગટર નિર્માણ થતી હતી ત્યારે ગામના જાગૃત નાગરિકો દ્વારા ગટરના કામમાં ભ્રષ્ટાચાર હોવાની રજૂઆત કરી હતી પરંતુ તંત્ર દ્વારા કોઈ ધ્યાન નહીં દેતા અંતે ભૂગર્ભ ગટર નિર્માણ થઈ ગયા બાદ બિલ પણ ચૂકવી દેવાયું હતું ત્યારે હવે ભૂગર્ભ ગટર નિર્માણ થયાના બે મહિના બાદ જ ગટર ભાંગી પડતા ખરેખર ભ્રષ્ટાચાર હોવાનું સામે આવ્યું છે જેના લીધે ગટરનું ગંદુ પાણી પણ રોડ પર ફરી વળે છે અને રાહદારીઓને અહીંથી પસાર થવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે.
- Advertisement -
ભ્રષ્ટાચારની તપાસ અને કાર્યવાહીની માંગ
આ સમગ્ર મામલે સ્થાનિકો દ્વારા જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે ભ્રષ્ટાચારની સઘન તપાસ હાથ ધરી કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. ગ્રામજનોનું કહેવું છે કે, લાખો રૂપિયાનો ખર્ચ કર્યા બાદ પણ બે મહિનામાં જ ગટર તૂટી પડવી એ સીધો ભ્રષ્ટાચારનો દાખલો છે અને આવા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી થવી જ જોઈએ.