પડધરી અને વાવડીએમ ચોરી – લૂંટને અંજામ આપ્યો હતો : છ શખસોની શોધખોળ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ જિલ્લાની પડધરી સહિત ગુજરાતભરની ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં ધાડ, ચોરી સહિતના ગુનાને અંજામ આપનાર ગરબાળા ગેંગના બે સાગરીતને ગ્રામ્ય એલસીબીની ટીમે ઝડપી લીધા છે જ્યારે આ ગેંગના છ શખ્સોની શોધખોળ હાથ ધરી છે પડધરી અને વાવડીમાં લૂંટ અને ચોરી, સામખીયાળીમાં ચોરીનો પ્રયાસના ગુના ડિટેકટ થયા છે.
રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ, એસપી વિજયસિંહ ગુર્જર દ્રારા જિલ્લામાં નોંધાયેલા અને અનડિટેકટ ગુનાઓ શોધી કાઢી આરોપીઓને પકડી પાડવાની આપેલી સુચના અંતર્ગત એલસીબી પીઆઈ વી.વી.ઓડેદરાની રાહબરીમાં પીએસઆઈ એચ.સી.ગોહીલ અને આર.વી.ભીમાણીની ટિમો પેટ્રોલિંગમાં હતી દરમિયાન એએસઆઈ રવિદેવભાઇ બારડ, બ્રીજરાજસિંહ જાડેજા, વકરભાઇ અરબ, રોહિતભાઇ બકોત્રા અને પ્રકાશ પરમાર સહિતની ટીમે પડધરી પોલીસ મથકમાં નોંધાયેલ લૂંટ-ધાડનો ગુનો તથા ચોરીનો ગુનો શોધી કાઢવા વિવિધ સીસીટીવી ફુટેજ આધારે તપાસ હાથ ધરી ઉપરોક્ત ગુન્હામાં સંડોવાયેલ ટોળકી પૈકી દાહોદના ગરબાળાના સુભાષ ઉર્ફે સોબો ઉર્ફે સુભમ નવરીયા રસુલ ભાભોર ઉ.27 અને દાહોદના ધાનપુરના હાલ રાજકોટ શીતલ પાર્ક પાસે રહેતા ગોરો ઉર્ફે કૈલાશ વરસીંગ ફુલજી મોહનીયા ઉ.25ને પકડી પૂછતાછ કરતા પડધરી ઉપરાંત તાલુકા પોલીસ મથકના વાવડી વિસ્તારમાં નોંધાયેલ ચોરીની કબૂલાત આપી હતી આ બરવાળા ગેંગના અન્ય આરોપી રાજુ સવસીંગ બારીયા, ભરત બાદરસીંગ પલાસ, રાકેશ રાળીયા પલાસ, જયંતી ઉર્ફે જેન્તી જવસીંગ પલાસ, પ્રકાશ દીતીયા પલાસ અને મડીયા ઉર્ફે સંજય તીતરીયા બામણીયાની શોધખોળ હાથ ધરી છે.
પકડાયેલી બેલડીએ દોઢેક મહિના પહેલા વાવડી જીઆઇડીસીમાં છ સાત કારખાનામાં ચોરી અને ચોરીની કોશીષ કરી હતી તેના બીજા દિવસે સામખીયાળી બાજુ ચોરી કરવા ગયા હતા પરંતુ કોઈ ચોરી કરવા લાયક જગ્યા નહિ મળતા ખેતરમાં સુઇ ગયા હતા તે પછી તા.15/11/2025ના પડધરી પાસે જીઆઇડીસીમાં ત્રણ-ચાર કારખાનામાં તાળા તોડવાની કોશિષ કરી હતી બાદ એક ગોડાઉન પાસે સુતેલા માણસને ભરત બાદરસીંગએ લોખંડનો સળીયો દેખાડી રોકડા લૂંટી લીધા હતા તે પછી એક કારખાનાનું શટર તોડતા હતા ત્યારે મજુર જાગી જતા મજુરો પાસેથી ફોન અને રોકડ રૂપિયા લૂંટી લઇ ઓરડીમાં પુરી મોબાઇલ ત્યાં જ મુકી ભાગી ગયા હતા તેમજ તા.05-12ના પડધરી પાસે જીઆઇડીસી વિસ્તારમાં એક કારખાનાની દિવાલ ટપી ઓફીસમાંથી રોકડ અને લેપટોપની ચોરી કરી પાણીનો ગોળો લઇ ગયા હતા.
આ ગેંગ સામે રાજ્યભરમાં 86 ગુના નોંધાઈ ચુક્યા છે
ગ્રામ્ય એલસીબીએ પકડી પાડેલી આ ગેંગ સામે રાજ્યભરમાં 86 ગુના નોંધાઈ ચુક્યા છે જેમાં પકડાયેલા સુભાષ સામે ગુજસીટોક સહીત 13, કૈલાસ સામે 3 ગુના નોંધાઈ ચુક્યા છે જયારે પકડવાના બાકી એવા રાજુ સામે ગુજસીટોક સહીત 22, ભરત સામે 25, રાકેશ સામે 15, જયંતિ સામે 2, પ્રકાશ સામે 4 અને મડિયા સામે 2 ગુના નોંધાઈ ચુક્યા છે.



