ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢ માર્ગ અકસ્માતમાં અકાળે મૃત્યુ થવાના બનાવો વધી રહ્યા છે, જેમાં ઘણા કિસ્સાઓમાં ઘરમાં કમાનાર મુખ્ય વ્યક્તિનું અવસાન થવાથી આખો પરિવાર નોંધારો બની જતા તેઓનું ભવિષ્ય અંધકારમય બની જાય છે. આવા કેસમાં આંશિકરૂપે મદદ કરી શકાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા 2022માં યોજના અમલમાં મુકવામાં આવી છે. જેમાં હીટ એન્ડ રનના (અજાણ્યા વાહનની ટક્કર) કેસમાં મૃત્યુ થાય તો રૂ.2 લાખ અને ગંભીર ઈજાના કેસમાં રૂ.50 હજારની આર્થિક વળતરની જોગવાઈ છે. આ વળતર માટે આવેલી અરજીઓમાં નિર્ણય કરવા માટે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષપણા હેઠળ કમિટી રચવામાં આવી હતી. જે કમિટી દ્વારા અરજી મંજૂર કરી કેસમાં મૃતકના વારસદારને 2 લાખનું વળતર મંજૂર કરવામાં આવ્યું હતું.
જિલ્લા કલેકટરના હસ્તે વાહન અકસ્માતમાં મોતને ભેટલા મૃતકના વારસદાર સોનલબેન કૈલાશભાઈ ચુડાસમાને 2 લાખનું વળતર મંજૂરીના હુકમ એનાયત કરવામાં આવ્યા હતા.આવા આકસ્મિક બનાવો અંતર્ગત કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હોય અને આ દરમિયાન મૃત્યુ કે ઈજા થવાના પ્રસંગે આ સ્કીમ હેઠળ વળતર માટે અરજી કરી શકાય છે. આવા કોઈ બનાવ બન્યા હોય તો કલેકટર કચેરીની નાયબ ચીટનીશ શાખા અથવા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી અરજી કરી યોજનાનો લાભ લેવા જણાવાયું છે.