ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.21
રાજુલા નજીકથી પસાર થતો ભાવનગર-સોમનાથ સોમનાથ નેશનલ હાઇવે પર ગોઝારો અકસ્માત ધટના બની હતી. રાજુલા-મહુવા હાઇવે પર દર્શન હોટલ નજીક ટ્રક ચાલકે બાઇક સવારને ટક્કર મારતા બે લોકોના ધટના સ્થળે મોત નિપજ્યા હતાં. ટ્રક ચાલક અકસ્માત સર્જી બાઈકને બે કિલોમીટર સુધી ઢસડી ગયો હતો.
આ ઘટના પગલે સ્થાનિક લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. તેમજ આ ધટનાની જાણ થતાં મરીન પીપાવાવ પોલીસ ધટના સ્થળે દોડી ગઇ હતી. મૃતકોને 108 મારફતે પીએમ અર્થે રાજુલા જનરલ હોસ્પિટલ ખાતે ખસેડાયા. અકસ્માતમાં જાદવભાઇ ચકુરભાઇ વાળા ઉ.વ.48 ખોડાભાઇ વાઘાભાઇ વાળા ઉ.વ.66 હોવાનું જાણવા મળેલ છે. હાલ પોલીસે ટ્રક ડ્રાઇવરને ઝડપી પાડયો હતો. ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર અવારનવાર અકસ્માતની ધટનાઓ સામે આવતી હોય છે. ત્યારે બે દિવસ પહેલા પણ રાજુલાના ચારનાળા નજીક ફોરવીલ અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા બે વ્યક્તિના મોત થયા હતા. ત્યારે ફરી હાઇવે પર અકસ્માત સર્જાતા બે લોકોએ જીવ ગુમાવ્યા હતા. સમગ્ર મામલે મરીન પીપાવાવ પોલીસે તપાસ હાથ ધરી છે.