શહેરના અટલ સરોવર પાસે 13 વર્ષના બાળકનું મૃત્યુ
મેટોડાની કંપનીમાં 20 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં હાર્ટ એટેકથી મૃત્યુના બનાવોમાં દિવસેને દિવસે વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે રાજકોટના અટલ સરોવર પાસે 13 વર્ષના બાળકનું જ્યારે મેટોડાની એક કંપનીમાં 20 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ થતાં બંને પરિવારજનોમાં શોક વ્યાપી ગયો છે. રાજકોટના રૈયાધારમાં રહેતો 13 વર્ષીય ભાવેશ લક્ષ્મણભાઈ બામ્બા, ગઈકાલે રાત્રે અટલ સરોવર પાસે પોતાના કાકા રવિભાઈની બદામ શેઈકની રેંકડીએ હતો ત્યારે અચાનક બેભાન થઈ ગયો હતો. તેને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ થતા યુનિવર્સિટી પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે ભાવેશ ધોરણ સાતમાં અભ્યાસ કરતો હતો અને બે ભાઈમાં તે મોટો હતો. તેના પિતા ડ્રાઈવિંગનો વ્યવસાય કરે છે. ગઈકાલે ભાવેશ અટલ સરોવર ફરવા ગયો હતો અને કાકાની રેંકડી પાસે ઊભો હતો ત્યારે પાણી પીધા પછી અચાનક ઢળી પડ્યો હતો.
- Advertisement -
બીજા એક બનાવમાં, મેટોડામાં ગેટ નંબર 3 માં આવેલી ફેક્ટરીમાં રહીને કામ કરતો 20 વર્ષીય યુવરાજસિંહ શિરપાલ યાદવ આજે સવારે બાથરૂમમાં પડી જતા તેને માથામાં ઈજા થઈ હતી. તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન આજે સવારે તેનું મૃત્યુ નીપજ્યું હતું. પ્રાથમિક અનુમાન મુજબ, તેનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હોવાનું મનાય છે.
મૃતક યુવરાજસિંહ ચાર બહેનોનો એકનો એક ભાઈ હતો. તે ઉત્તર પ્રદેશનો વતની હતો અને અપરણિત હતો. વતનમાં જાણ થતા તેના પરિવારજનો રાજકોટ દોડી આવ્યા હતા. આ બે ઘટનાઓએ રાજકોટમાં નાની ઉંમરે હાર્ટ એટેકથી થતા મૃત્યુ અંગે ચિંતા વધારી દીધી છે.