ઝીરો વિઝિબિલિટીનાં પગલે હવાઈ સેવાને અસર : મુંબઈ જતા મુસાફરોને અઢી – ત્રણ કલાક રાહ જોવી પડી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.17
રાજકોટના હીરાસર સ્થિત ગ્રીન ફિલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં આજે વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાતા રનવે પર ઝીરો વિઝિબિલિટીનાં લીધે મુંબઈ રાજકોટ આવી રહેલી મુંબઈની બે ફલાઈટોને અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી હતી. પરિણામે રાજકોટથી મુંબઈ જવા ઈચ્છુક મુસાફરોને એરપોર્ટમાં અઢી-ત્રણ કલાકનો ટર્મિનલમાં જ સમય વિતાવવો પડયો હતો. ઈન્ટરનેશનલ એરપોર્ટનાં નવા ટર્મિનલ અને એર ટ્રાફિક કંટ્રોલમાં શિયાળાની ઋતુમાં ઝીરો વિઝિબિલિટીમાં પણ ફલાઈટ લેન્ડીંગ-ટેક ઓફ થઈ શકે તેવી સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે. તેમ છતાં આજે વહેલી સવારે ગાઢ ધુમ્મસનાં લીધે વહેલી સવારની એર ઈન્ડિયા અને ઈન્ડિગોની રાજકોટ-મુંબઈ લેન્ડીંગ નહી થતા એરપોર્ટ વિસ્તારમાં ચકકર કાપી આખરે બન્ને ફલાઈટને અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી હતી. મુંબઈથી રાજકોટ અને રાજકોટથી મુંબઈ જતા પ્રવાસીઓ સમયસર પહોંચી શકયા ન હતા. વાતાવરણ સ્વચ્છ થતા બંને ફલાઈટો અમદાવાદથી રાજકોટ આવશે.