યુનિવર્સિટી પોલીસે પ્રેમ મંદિર પાસેથી ઝડપી લીધા, 1 લાખની જાલી નોટ સુરત પહોંચી
રાજકોટ રહી બંને અભ્યાસ કરતા હતા, કિશને રૂ.40 હજાર આપી રૂ.1 લાખની નકલી નોટ મેળવી હતી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં રહી અભ્યાસ કરતા બે છાત્રોને યુનિવર્સિટી પોલીસે રૂા.500નાં દરની 50 હજારની કિંમતની જાલીનોટ સાથે ઝડપી લીધા હતાં. સપ્લાયર તરીકે જેનું નામ ખુલ્યું છે તેણે થોડા સમય પહેલાં જ આત્મહત્યા કરી લીધી હોવાથી તપાસને બ્રેક લાગી ગઈ છે. રૂા. 50 હજારની જાલીનોટો સુરતનાં શખ્સને પણ મોકલાઈ હતી.
યુનિવર્સિટી પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ અરવિંદસિંહ જાડેજાએ સ્ટાફને મળેલી બાતમીનાં આધારે કાલાવડ રોડ પરનાં પ્રેમ મંદિર પાસેથી કીશન દિનેશ પાંચાણી (ઉ.વ.21)ને રૂા. 500નાં દરની 50 હજારની કિંમતની જાલીનોટો સાથે ઝડપી લીધો હતો.
મુળ વંથલીનાં ચાંપોદર ગામનો અને હાલ પ્રેમ મંદિરની બાજુમાં આવેલા મકાનમાં ભાડેથી રહેતો કિશન ગાર્ડી કોલેજમાં બી.ઈ.નાં બીજા વર્ષમાં ડીગ્રી કોર્ષ કરી રહ્યો છે. તેણે પુછપરછમાં જાલીનોટો મુળ વિસાવદરનાં અને હાલ તેની બાજુમાં ભાડાનાં મકાનમાં રહી આત્મીય કોલેજમાં બાયો ટેકનોલોજીનાં બીજા વર્ષમાં અભ્યાસ કરતા આવેશ અનવર ભોરે આપ્યાની કબુલાત આપતા પોલીસે આવેશને પણ ઉઠાવી લીધો હતો.
તેણે વિસાવદર રહેતા હર્ષ ભાવેશ રેણુંકા પાસેથી આ જાલીનોટો લઈ આવ્યાની કબુલાત આપી હતી. જેથી પોલીસે તપાસ કરતાં હર્ષે થોડા સમય પહેલા જ આપઘાત કરી લીધાની માહિતી બહાર આવતા તપાસ અટકી ગઈ હતી.
આરોપી કિશને એવી કબુલાત આપી હતી કે, તેણે રૂા. 40 હજાર આપી આવેશ પાસેથી 500નાં દરની રૂા. 1 લાખની જાલીનોટો મેળવી હતી. જેમાંથી રૂા. 50 હજારની જાલી નોટો પોતાની પાસે રાખી હતી.
જયારે બાકીનાં રૂા. 50 હજારની જાલીનોટો સુરતનાં કામરેજ વિસ્તારમાં રહેતાં અને બ્લોકનો કોન્ટ્રાકટ રાખતા તેનાં મોટા બાપુનાં પુત્ર સંજય હરીભાઈ પાંચાણીને આપી છે.
પરિણામે તે જાલીનોટો કબ્જે કરવા માંટે પોલીસની એક ટીમ સુરત રવાના કરવામાં આવી છે. જાલીનોટોનો સપ્લાયર હર્ષ ખરેખર કઈ જગ્યાએ જાલીનોટો છાપતો હતો, અત્યાર સુધી તેણે કેટલા રૂપિયાની જાલીનોટો વેંચી નાખી છે તે સહિતનાં મુદ્દે પોલીસે તપાસ હાથ ધરી છે.