સીઝ કરેલ બોટ બાબતે ગીર સોમનાથ કલેક્ટરે બોટ માલિકોની પૂછપરછ કરી
ખાસ-ખબર ન્યૂઝ ગીર સોમનાથ, તા.28
- Advertisement -
ગીર સોમનાથ જિલ્લાને 110 કિલોમીટર જેટલા લાંબો દરિયાકિનારાની કુદરતી ભેટ મળી છે. જેના પર અનેક માછીમારો નભે છે. જિલ્લાના વેરાવળ, મૂળદ્વારકા, સુત્રાપાડા, ધામળેજ, જાલેશ્વર, હીરાકોટ, માઢવાડ, કોટડા, છારા, નવાબંદર તેમજ સીમર ખાતે માછીમારી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા બંદરો આવેલા છે. દરિયાઈ સુરક્ષાની દ્રષ્ટીએ આ બંદરો પર દેખરેખ રાખવી ખૂબ આવશ્યક છે.
કલેક્ટર તંત્ર દ્વારા તા.23 માર્ચના રોજ મધરાતે 2.30 વાગ્યે 70 જેટલી બોટને સર્ચ કરીને 3 બોટોમાં રહેલો પેટ્રોલિયમ પેદાશનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આ શંકાસ્પદ પેટ્રોલિયમ પેદાશ બાબતે જિલ્લા પુરવઠા તંત્ર અને મત્સ્યોદ્યોગ અને ફિશરીઝ વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ બાબતે કલેક્ટર દિગ્વીજયસિંહ જાડેજાએ આજેસાંજે જિલ્લા તંત્ર દ્વારા બોટને સીઝ કર્યા બાદ કરવામા આવેલી કાર્યવાહી ની એક પ્રેસ કોન્ફરન્સમાં બોટના બે માછીમારને હાજર રાખી યોજી જણાવ્યું હતું કે મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા દરિયામા જતી વખતે ઓનલાઈન ટોકન લેવાની સિસ્ટમ અમલી છે. અને પરત ફરે પણ તેની નોંધણી કરવાની હોય છે. પકડાયેલ એક બોટ દ્વારા તા.20 માર્ચની પરતની નોંધણી કરાવેલ છે. જ્યારે હકિકતમાં તા.23મીના રોજ આ બોટ દરિયામાંથી ઝડપાઈ હતી.
દરિયામાં માછીમારી કરવા જતાં બોટો ઓનલાઈન ટોકન અવશ્ય મેળવી લે. જેથી બોટોની નિશ્ચિત ઓળખ થઈ શકે. આગામી દિવસોમાં લેન્ડિંગ પોઈન્ટ માટે થાંભલા લગાવીને તેની જગ્યા નિર્ધારિત કરવામાં આવશે. જેથી બોટોની ચોક્કસ ઓળખ થઈ શકે.પકડાયેલી બોટો અંગે તેમણે જણાવ્યું કે, અત્યારે બે બોટના માછીમારોને પકડવામાં આવ્યાં છે. અને ત્રીજા બોટમાલિકની પણ ભાળ મળી ચૂકી છે અને આગામી સમયમાં તેને પણ પકડીને આ કિસ્સાના મૂળ સુધી પહોંચીને શંકાસ્પદ ડિઝલનો જથ્થો કોણ? કેવી રીતે લાવ્યું? અને કેવી રીતે વેચતા હતાં? તેની જાણકારી મેળવવામાં આવશે.