સેવાનું નામ-દબાણનું કામ : અગાઉ પણ અનેક લોકોએ. ગૌશાળા અને મંદિર બતાવી કિંમતી જમીન વેંચી નાંખી હતી
સિધ્ધાર્થ ગૌશાળા અને વિધાતા ગૌશાળાના બેનરો લાગી ગયા
ગાયોના નામે સોનાની લગડી સમાન કિંમતી જમીન હડપ કરવાનો ખેલ ?
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ-અમદાવાદ હાઈવે પર તરઘડીયા ગામ પહેલા ચોકડી નજીક ત્રિમંદિરની સામે એક સરકારી ખરાબો આવેલો છે. આ સરકારી જગ્યામાં રાતોરાત બે ગોંશાળા ઉભી થઇ ગઈ. ત્યાં લગાવેલા બેનર મુજબ એક સિધ્ધાર્થ ગૌશાળા અને બીજી વિધાતા ગૌશાળા બનાવી દેવામાં આવી છે. ત્યારે તંત્ર ઘોર નિંદ્રામાં હોવાની વાતો અનેક લોકોના મુખે ચર્ચાઈ રહી છે, આ રીતે હાઈવે પર સરકારી ખરાબા દબાવીને સેવાના નામે મેવા લેવા આવી જતા લોકો પર તંત્ર ક્યારે લાલ આંખ કરશે તેવું પણ લોકો પૂછી રહ્યા છે. અગાઉ પણ અનેક લોકોએ ગૌશાળા અને મંદિર બતાવી કિંમતી જમીન વેંચી નાંખી હતી. ત્યારે ગાયોના નામે સોનાની લગડી સમાન કિંમતી જમીન હડપ કરવાનો ખેલ ક્યારે બંધ થશે તે જોવાનું રહ્યુ.
- Advertisement -
આ ગૌશાળા અંગે ત્યાં હાજર લોકોએ એવું કહ્યુ કે આ જમીન મામલતદારે ફાળવી છે. અને સૌથી મહત્વનું કે સરકારી જગ્યા પર બેનરો લગાવી ત્યાં હંગામી ધોરણે આટ પણ વાળી લેવામાં આવી છે. અને ત્યાં 10થી 12 ગાયો પણ રાખી દેવામાં આવી છે. હવે શું ખરેખર આ સરકારી જગ્યા મામલતદારે ફાળવી છે કે ગૌશાળા નામે અનેક લોકો આ જગ્યા પર કબ્જો જમાવવા માગે છે તે તટસ્થ તપાસ બાદ જ ખ્યાલ આવે. હાલ તો અહીં રાતોરાત ગૌશાળા ઉભી કરી ગાયોના નામે સોનાની લગડી સમાન કિંમતી જમીન હડપ કરવાનો ખેલ શરૂ કરી દેવામાં આવ્યો છે.



