એક ભાઇના 8 મહિના પહેલા થયા હતા લગ્ન; સંબંધીએ કહ્યું કે, મન નથી માનતું કે આ બંને આવું પગલું ભરી શકે
ખાસ-ખબર ન્યૂઝ સુરત, તા.21
- Advertisement -
સુરતના અમરોલી વિસ્તારમાં બે સગાભાઈઓએ આપઘાત કરી લીધો હોવાની ચકચારી ઘટના સામે આવી છે. બંને ભાઈઓ રત્નકલાકાર તરીકે કામ કરતા હતા. તેઓએ ઘરમાં આપઘાતનું પગલું ભરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. આ મામલે પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરી છે. બન્ને ભાઇઓના આપઘાત અંગે એક સંબંધીએ જણાવ્યું છેકે, મન નથી માનતું કે આ બન્ને આવું પગલું ભરી શકે. મળતી માહિતી મુજબ સુરતના અમરોલી વિસ્તારમાં રહેતા બે સગા ભાઈઓએ એક સાથે આપઘાત કરી લીધો છે. હિરેન ચંદુભાઈ સુતરિયા અને પરીક્ષિત ચંદુભાઈ સુતરિયા નામના બે સગા ભાઈઓએ ઘરમાં જ અનાજમાં નાખવાની દવા પી આપઘાત કર્યો હતો. બન્નેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા. જ્યાં સારવાર દરમિયાન બન્નેનું મોત નીપજ્યું હતું. બંને ભાઈઓના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. મૃતક બંને ભાઈઓ રત્નકલાકાર તરીકે કામ કરતા હતા, પરીક્ષિતના પરિવારમાં પત્ની, બે દીકરા છે. મોટો પાંચ વર્ષ અને નાનો માત્ર પાંચ મહિનાનો છે. જ્યારે હિરેનના લગ્ન 8 મહિના પહેલા જ કરવામાં આવ્યા હતા. તેને હજુ સંતાન નથી. હાલ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સબંધી મનીષભાઈએ જણાવ્યું હતું કે બંને ભાઈઓએ તેમના ઘરે કોઈ અગમ્યકારણોસર બેથી અઢી વાગ્યાના અરસામાં દવા પી લીધી હતી. મન નથી માનતું કે આ બંને ભાઈઓ આવું પગલું ભરી શકે, અમને પણ કોઈ કારણ વિષે માહિતી નથી, તેઓને હોમલોન હતી એ અંગે અમને જાણ હતી બંને ભાઈઓ હીરાના કારખાનામાં કામ કરતા હતા.
6 દિવસ પહેલાં રત્નકલાકાર યુવતીએ આપઘાત કર્યો હતો
વેડરોડ વિજય નગર-1 ખાતે રહેતી 19 વર્ષીય ભાનુ ભૂપતભાઈ ડોગથિયા બે ભાઈઓ સાથે રહેતી હતી અને હીરાના કારખાનામાં કામ કરી પરિવારના ગુજરાનમાં મદદરૂપ થતી હતી. ભાનુના પિતા વતનમાં રહે છે અને ખેતમજૂરી કરી ગુજરાન ચલાવે છે. 6 દિવસ પહેલાં ભાનુએ પોતાના ઘરે અનાજમાં નાંખવાની ગોળી પી લીધી હતી. જેની જાણ પરિવારને થતાં તેને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી હતી. જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં ચોક બજાર પોલીસ હોસ્પિટલ દોડી ગઈ હતી. પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતી.