40 લાખનું દેણું થઈ જતાં કોડીનારના શખસએ લૂંટનો પ્લાન ઘડ્યો હતો
જ્વેલર્સમાં ગ્રાહકનો સ્વાંગ રચી ઘૂસ્યા, પણ વેપારીએ પ્રતિકાર કરતાં ખાલી હાથે ભાગ્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.3
રાજકોટમાં લક્ષ્મીનગર ચોક પાસે આવેલ આનંદી જવેલર્સમાં ગઈ તા.25 ના બે શખ્સોએ ઘુસી છરીની અણીએ લૂંટનો પ્રયાસ કરી સોની વેપારીને ગંભીર ઇજા પહોંચાડિ નાસી છૂટતાં માલવીયાનગર પોલીસ મથકમાં ગુનો નોંધાયા બાદ ટીમે સીસીટીવી ફુટેજના આધારે સઘન તપાસ કરી મૂળ કોડીનાર પંથકના અને હાલ રાજકોટમાં રહેતા બેલડીની પુનિતનગરના ટાંકા પાસેથી ઝડપી પાડી રૂ.90 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. વિજય પ્લોટ મેઈન રોડ પર વિજય પ્લોટ શેરી નં.7/8 માં રહેતાં સુજીતભાઇ પ્રતાપભાઇ ઝરીયા (ઉ.વ.40) એ માલવીયાનગર પોલીસ મથકમાં લૂંટના પ્રયાસ અંગે બે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી જેમા ગ્રાહક તરીકે આવેલ બેલડીએ દાગીના બતાવવાનું કહી છરીથી ઝપાઝપી કરી ઇજા પહોંચાડેલ હતી બાદમાં એક શખ્સના હાથમાંથી છરી પડી જતાં અને અન્ય શખ્સ પણ ટેબલ કૂદી ઝપાઝપી કરવા લાગેલ દરમિયાન તેઓ ટેબલ કુદીને દુકાનની બહાર ગયેલ અને રોડ ઉપર આવી ગયેલ બાદ બંને શખ્સો દુકાનમાંથી નિકળી બંને નાસી છૂટ્યા હતાં. બાદમાં પોલીસને જાણ કરી તેઓને સારવારમાં ખસેડવામાં આવ્યાં હતાં.
- Advertisement -
બનાવ અંગેની ફરીયાદ પરથી માલવીયાનગર પોલીસ મથકના પીઆઈ જે. આર.દેસાઈ અને ટીમે તપાસનો ધમધમાટ આદર્યો હતો. દરમિયાન પીએસઆઈ ડી. એસ.ગજેરા ટીમ સાથે સીસીટીવી ફુટેજના આધારે તપાસમાં હતાં ત્યારે હેડ કોન્સ્ટેબલ જયદેવસિંહ પરમાર, કોન્સ્ટેબલ હરસુખ સબાડ, જયદીપસિંહ ભટ્ટી અને મયુરદાન ગઢવીને મળેલ ચોક્કસ બાતમીના આધારે લૂંટનો પ્રયાસ કરનાર બેલડી ધર્મેશ અરશી સોલંકી (ઉ.વ.25),(રહે. લક્ષ્મીનગર મેઈન રોડ, દાસી જીવણપરા શેરી નં.2, મૂળ દામલી, કોડીનાર) અને રવી બાબુ સોલંકી (રહે. રામધામ સોસાયટી, જયગીત શેરી નં.2, મૂળ દામલી, કોડીનાર) ને પુનિતનગરના ટાંકા પાસેથી ઝડપી પાડ્યા હતાં.બંને આરોપીની પૂછપરછમાં ધર્મેશ ખાનગી હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફમાં નોકરી કરે છે અને તેને એક વર્ષ પહેલાં કોઈ પરિચીત સાથે બાંધકામના વ્યવસાયમાં રોકાણ કરવાં માટે પરિચિતો પાસેથી રૂ.40 લાખ હાથ ઉછીના લીધેલ હતાં. જે બાદ બાંધકામ વ્યવસાય પેટે તેમને એક વર્ષ પ્રોફિટ મળ્યાં બાદ વળતર મળવાનું બંધ થઈ ગયું હતું અને સંબંધીઓએ ઉછીના આપેલા રૂપીયા પરત માંગતા તેના પિતરાઈ ભાઈ રવી સાથે મળી લૂંટનો પ્લાન ઘડી બનાવને અંજામ આપ્યાની કબુલાત આપી હતી.