જસદણના રાજાવડલા પાસેથી 202 બોટલ સાથે રાજકોટની ત્રિપુટીની ધરપકડ: એલસીબી અને ભાડલા પોલીસે 3 કાર સહિત 16.22 લાખનો મુદામાલ કબ્જે કર્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ જિલ્લામાં દારૂની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવાની સૂચના અન્વયે એલસીબીની ટીમે ઉપલેટામાંથી 470 બોટલ દારૂ ભરેલી કાર સાથે બે શખ્સોને ઝડપી લઇ 4.49 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે જયારે ભાડલા પોલીસે રાજાવડલા પાસેથી બે કાર અટકાવી 202 બોટલ દારૂ સાથે રાજકોટના ત્રણ શખ્સની ધરપકડ કરી છે બંને દરોડામાં પોલીસે દારૂ, કાર સહીત 16.22 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.
- Advertisement -
રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ, એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા દારૂ-જુગારના કેશો કરવા આપેલી સુચના અન્વયે એલસીબી પીઆઈ વી.વી.ઓડેદરાની રાહબરીમાં પીએસઆઈ એચ.સી.ગોહીલ અને આર.વી.ભીમાણી ટીમ સાથે પેટ્રોલિંગમાં હતાં ત્યારે સ્ટાફના હેડ કોન્સ્ટેબલ નિલેશભાઈ ડાંગર, રાજુભાઈ સાંબડા, દિવ્યેશભાઈ સુવા અને હરેશભાઈ પરમારને બાતમી મળી હતી કે ઉપલેટાના ગાંધીચોક પાસે એક દારૂ ભરેલ કાર ઉભી છે આ બાતમી આધારે ટીમે દરોડો પાડી કારમાં બેઠેલા બે શખ્સોના નામ પૂછતાં જેતપુર રહેતો ઈમરાન ઈકબાલ લાખાણી અને ઉપલેટાનો નવાજ આસીફ કુરેશી હોવાનું જણાવ્યું હતું પોલીસે કારની જડતી લેતા 1.29 લાખની દારૂની 470 બોટલ મળી આવતા કાર, મોબાઈલ સહીત 4.49 લાખનો મુદામાલ કબ્જે કરી બંનેની ધરપકડ કરી હતી પ્રાથમિક પૂછતાછમાં બંને શખ્સો મધ્યપ્રદેશથી દારૂનો જથ્થો લઈ આવી છૂટકમાં વેંચાણ કરવાના હોવાની કબૂલાત આપી હતી જયારે ગોંડલ ડીવાયએસપી કે.જી.ઝાલાના માર્ગદર્શન હેઠળ ભાડલા પોલીસ મથકના પીઆઈ કે.વી.પરમારની રાહબરીમાં ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફને બાતમી મળી હતી કે દહિંસરાથી કુંદણી ગામ તરફ જવાના કાચા રસ્તેથી દારૂ ભરેલ કાર પસાર થવાની છે તેવી બાતમી આધારે ટીમ રાજાવડલા તરફ જતા રસ્તા પાસે વોચમાં હતી ત્યારે ત્યાંથી પસાર થયેલ બે કાર અટકાવી તપાસ કરતાં તેમાંથી 202 બોટલ દારૂ મળી આવતાં રાજકોટના સ્વાતિ પાર્કના જયદીપ પ્રફુલ દલસાણીયા, અજય ભીખુ મકવાણા અને પુનિતનગરના પ્રકાશ પ્રવિણ ગુજરાતીની ધરપકડ કરી દારૂ અને કાર મળી કુલ 11.73 લાખનો મુદામાલ કબ્જે કરી દારૂનો જથ્થા ક્યાંથી ભરી ક્યાં સપ્લાય કરવાનો હતો તે જાણવા રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.



