ખાસ-ખબર સંવાદદાતા
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં વૃદ્ધ પાસેથી રૂ. 1.75 લાખ રોકડ ભરેલા થેલાની ચીલઝડપ કરનાર બે શખ્સને બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા છે જયારે આ બનાવમાં એક સગીર આરોપીનું પણ નામ ખુલ્યું હોવાથી પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ત્રાજપર નજીક દુકાને જઈ રહેલા દેવજીભાઈ નાગજીભાઈ નામના વૃધ્ધ પાસેથી અજાણ્યા શખ્સો રૂ.1.75 લાખ રોકડા અને ચાવી ભરેલી થેલીની ચીલઝડપ કરી ફરાર થઈ ગયા હતા. આ ઘટનામાં વૃદ્ધે બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે બી ડીવીઝન પોલીસ તેમજ એલસીબી, એસઓજી સહીતની ટીમ પણ તપાસ કરી રહી હતી તે દરમિયાન ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ તેમજ ટેકનીકલ ટીમ દ્વારા તપાસ કરવામાં 3 શંકાસ્પદ શખ્સની ઓળખ થતા તેમની આગવી ઢબે પુછપરછ કરતા એક સગીર સહીત 3 શખ્સોએ મોજશોખ માટે રૂપિયાની જરૂર હોવાથી ચીલઝડપ કરી હોવાનું જણાવ્યું હતું. પોલીસે ચીલઝડપ કરનાર આરોપી સાગર રાજેશભાઈ અગેચણીયા અને શંકર ભરતભાઈ ઉપસરિયાને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી રૂ. 1.75 લાખ રોકડ સહિતનો મુદામાલ જપ્ત કર્યો હતો. આ ઘટનામાં એક સગીર પણ સામેલ હોવાથી પોલીસે તેના વિરુદ્ધ જુવેનાઈલ એક્ટ અંતર્ગત કાર્યવાહી હાથ ધરી હતી.