વાતાવરણ ધૂંધળું બનતા વાહનોની લાઈટો શરુ કરવી પડી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.20
જૂનાગઢ શહેર તેમજ જિલ્લામાં સતત ત્રીજા દિવસે અવિરત મેઘ સવારી જોવા મળી છે આજે સવારથી મેઘો મન મૂકીને વરસી રહ્યો છે બપોરે 12 વાગ્યા સુધી અઢી ઇંચ વરસાદ ખાબકતા વાતાવરણ ધૂંધળું થઇ જતા વાહન ચાલકોએ વાહનોની લાઈટો કરવી પડી હતી અને ધુમમ્સ જેવું વાતાવરણના લીધે વાહન ચાલકોને દૂર સુધી દેખાતું બંધ થયું હતું. આજે જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદના લીધે અન્ય તાલુકામાં પણ વરસાદી માહોલ છવાયો છે.
- Advertisement -
જેમાં વંથલીમાં વધુ 2 ઇંચ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને ખેતરો પાણીથી તરબોળ થયા હતા એજ રીતે માણાવદર તાલુકામાં દોઢ ઇંચ વરસાદ બપોર સુધી વરસ્યો હતો આમ જિલ્લમાં ત્રીજા દિવસે પણ વરસાદી માહોલ છવાતા ઠેર ઠેર પાણી ભરવાના દ્રશ્યો સર્જાયા છે અને નદીઓ બે કાંઠે વહેતા અનેક રસ્તાઓ અને કોઝવે પર પાણી ફરી વળતા ગ્રામજનોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.
જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદથી 75 રસ્તા બંધ, એસટીની 96 ટ્રીપ રદ્દ
જૂનાગઢ જિલ્લામાં થઇ રહેલા ભારે વરસાદના કારણે જનજીવાન પ્રભાવિત થયુ છે. જેમાં નદી, નાળાનું પાણી આવી જતા જિલ્લાના 75 જેટલા રસ્તાઓ અસરગ્રસ્ત થયા છે અને 65 ગામનો વાહન વ્યવહાર ઠપ્પ થઇ ગયો હતો. કુલ 19 ડેમમાંથી નવ ઓવરફલો થઇ જતા હેઠવાસના ગામને સાવચેત કરવામાં આવ્યા હતા. જિલ્લાના કુલ 19માંથી 9 ડેમ ઓવરફલો થયા છે હેઠવાસના ગ્રામ્ય વિસ્તારના લોકોને સાવચેત કરવામાં આવ્યા છે. વરસાદનાકારણે ખેતીવાડીના 40તેમજ જયોતિગ્રામના 3 ફીડર બંધ થયા હતા. જેને પાણી ઓસરતા રિપેર કરવામાં આવશે. કલેકટરે વધુમાં જણાવ્યુ હતુ કે, જિલ્લામાં અત્યાર સુધીમાં કયાંય કોઇ જાનહાની થઇ નથી. કોઇ સ્થળે લોકોનું સ્થાળાંતર કરવુ પડે એવી હાલત હજુ સુધી ઉભી થઇ નથી. કેશોદ, માળીયાહાટીના સહિતના તાલુકાઓમાં મેઘરાજાની તોફાની બેટિંગના કારણે સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ સર્જાઇ છે. ગ્રામ્ય વિસ્તાર તરફ જતા અનેક માર્ગો પાણી ભરાઇ ગયા છે તો અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે જેથી સૌથી વધુ ઘેડ વિસ્તારમાં વાહન વ્યવહાર સેવા પણ પ્રભાવિત થઇ છે. એસ.ટી ડિવીઝન દ્વારા કેશોદ, બાંટવા, માણાવદર, પોરબંદર, ગીર સોમનાથનાઅનેક વિસ્તારોમાં જતી બસની ટ્રીપો રદ કરવામાં આવી છે. એસટી ડીવીઝન દ્વારા બાંટવા, કેશોદ, માણાવદર, વંથલી સહિતના ગામોમાં 54,પોરબંદર ગ્રામ્ય વિસ્તારમાં 32, ગીર-સોમનાથમાં 8 હજાર કિલોમીટર સાંકળતી કુલ 96 ટ્રીપ રદ કરવામં આવી છે. હજુ પણ વરસાદ પડી રહ્યો હોવાથી બંધ થયેલ રૂટો પર પાણી ઓસર્યા બાદ વાહન વ્યવહાર પૂર્વવત કરાશે.
- Advertisement -
જૂનાગઢ જિલ્લાના 3 તાલુકામાં 100% વરસાદ
જૂનાગઢ જિલ્લામાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જિલ્લામાં સરેરાશ વરસાદ 84.17 ટકા થયો છે. માણાવદરમાં 103.26, વંથલીમાં 108.91 અને કેશોદમાં 100.32 ટકા સરેરાશ વરસાદ થઇ ગયો હતો. જયારે મેંદરડામાં 92, જૂનાગઢમાં 80.69 વિસાવદરમાં 78.59, માળીયામાં 73.09, ભેસાણમાં 63.60 અને માંગરોળમાં 58.71 ટકા સરેરાશ વરસાદ થયો છે.