મુખ્ય આરોપી સહિત તમામ આરોપીઓનો જામીન પર છૂટકારો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આ બનાવની વિગત એવી છે કે પડધરીના ફતેપર ગામે રહેતા મરણ જનારના માતા રમાબેન પરસોતમભાઈ ગજેરાએ અશોકભાઈ છગનભાઈ બાળા, ભરત બાળા, બે અજાણ્યા ઈસમો વિરુદ્ધ એવી ફરિયાદ લખાવેલી હતી કે ગત તા. 18-5-24ના તેનો દીકરો અશ્ર્વિન પરસોતમભાઈ ગજેરા રાત્રે જમીને વાડીએ તેનું હોન્ડા મોટર સાયકલ લઈને ગયેલો અને રાત્રિના 12-45 વાગ્યે ઘરે આવેલા અને તે અસહ્ય પીડામાં પીડાતો હતો, તેને ઘણી જગ્યાએ શરીર સોજી ગયેલું હતું. તેને આ સોજેલા ને લાગેલા નિશાન બાબતે પૂછતા તેણે જણાવેલું કે તે વાડીએ ગયેલા ત્યારે 11-00 વાગ્યાની આસપાસ તેની વાડીએ તેના ગામના અશોક છગનભાઈ બાળા તથા ભરત બાળા તથા બે અજાણ્યા લોકો એક ફોર વ્હીલ ગાડી લઈને આવેલા અને અશોક બાળા અને ચારેય લોકોએ લાકડાના ધોકાથી માર મારવા લાગેલા હતા અને ઢીકાપાટુનો પણ માર મારેલો હતો અને માર માર્યા બાદ આ લોકોએ ધમકી આપેલી કે જો તું ફરિયાદ કરીશ તો તને અને તારા મમ્મીને પણ જાનથી મારી નાખીશ તેવું મને જણાવેલું હતું. આવી વાત કરતાં તેઓ તેના દિયર કાંતીભાઈ ગજેરાને ફોન કરી દીકરાને હોસ્પિટલ સારવાર માટે ગયા હતા. ત્યાં પણ તેઓના દીકરાએ બીકના કારણે ફરિયાદ કરવાની ના પાડી હતી અને ત્યાર બાદ તેઓના દીકરાની સારવાર ચાલુ હોય અને બીજી હોસ્પિટલમાં લઈ જવાનું કહેતાં તેના દીકરા અશ્ર્વિનને ગોંડલ રોડ પર આવેલી એચ. જે. દોશી હોસ્પિટલમાં લઈ ગયા અને જ્યાં તેની સારવાર કરવામાં આવેલી પરંતુ સારવાર દરમિયાન તેના દીકરા અશ્ર્વિનનું મૃત્યુ નિપજ્યું હતું અને આ અંગે પડધરી પોલીસ સ્ટેશન દ્વારા આરોપી અશોકભાઈ છગનભાઈ બાળા, ભરત બાળા, બે અજાણ્યા ઈસમો વિરુદ્ધ આઈ.પી.સી. કલમ 302, 325, 506(2), 447, 120(બી) તથા જી.પી. એક્ટની કલમ 135 મુજબની ફરિયાદ તા. 23-5-24ના રોજ નોંધેલી હતી.
- Advertisement -
ગુન્હામાં પડધરી પોલીસ દ્વારા અશોકભાઈ છગનભાઈ બાળા, ભરત આયદનભાઈ બાળા, સંદીપ માંડણભાઈ બાળા, ધાર્મિક મેણંદભાઈ બાળા વિગેરેની ધરપકડ કરવામાં આવેલી હતી.
ત્યારબાદ આ કામમાં પડધરી પોલીસ સ્ટેશન દ્વારા નામદાર કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવેલું હતું. ચાર્જશીટ રજૂ થયા બાદ ઉપરોક્ત આરોપીઓ પૈકી ભરત આયદનભાઈ બાળાએ નામદાર રાજકોટ સેશન્સ અદાલતમાં જામીન અરજી કરી હતી. જે અરજીના અનુસંધાને ભરત આયદનભાઈ બાળા તરફે નામદાર સેશન્સ અદાલતમાં એવી રજૂઆત કરી હતી કે આ ગુન્હામાં ગુજરનારને હાલના અરજદારે કોઈ ઈજા પહોંચાડેલી નથી અને ફરિયાદ એક જ સમાજના બધા સભ્યોને ખોટી રીતે સંડોવી દેવા આપવામાં આવેલી છે અને 5 દિવસ મોડી ફરિયાદ કરવામાં આવેલી છે તેમજ મરણ જનાર જ્યારે હોસ્પિટલમાં દાખલ થયેલા ત્યારે પણ કોઈ આરોપીઓના નામ આપેલા નથી કે કોઈ વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવેલી નથી જેથી આરોપીઓને ખોટી રીતે સંડોવી દેવા માટે પાછળથી ફરિયાદ ઉભી કરવામાં આવેલી છે. તેઓની કોઈ ઓળખ પરેડ પણ કરવામાં આવેલી નથી જેથી તેઓ બનાવ સ્થળે હાજર હોય તેવું શંકાસ્પદ જણાય છે અને ફરિયાદ દ્વારા ખોટી ફરિયાદ આપી તેઓને સંડોવી દીધા છે તેવું જણાય આવે છે. તેઓને ફરિયાદીને મારવાનો કોઈ મોટીવ રહેલો નથી કે ફરિયાદી સાથે તેઓને કોઈ દુશ્મનાવટ રહેલી નથી. હાલના આરોપી પાસેથી કોઈ હથિયારની રિકવરી ડીસ્કવરી થયેલી નથી તેમજ આ કામમાં ચાર્જશીટ પણ રજૂ થઈ ગયેલી છે. બચાવ પક્ષની દલીલો અને પોલીસ તપાસના કાગળો ધ્યાને લઈ નામદાર રાજકોટની સેશન્સ અદાલત દ્વારા ભરત આયદનભાઈ બાળાને શરતી જામીન ઉપર મુક્ત કરવા હુકમ ફરમાવેલો હતો.
ત્યાર બાદ અન્ય આરોપી અશોક છગનભાઈ બાળાએ નામદાર સેશન્સ અદાલતમાં જામીન અરજી કરેલી, જે નામદાર અદાલત દ્વારા રદ કરવામાં આવેલી હતી, ત્યાર બાદ તેઓ દ્વારા નામદાર ગુજરાત હાઈકોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરેલી. જે જામીન અરજી અનુસંધાને એવી રજૂઆત કરવામાં આવેલી હતી કે ફરિયાદ 5 દિવસ મોડી કરવામાં આવેલી છે. આરોપી બનાવ સ્થળે હાજર હોય તેવો કોઈ પુરાવો ચાર્જશીટ જોતાં જણાય આવતો નથી. સમગ્ર ચાર્જશીટ જોતાં બનાવ નજરે જોનાર કોઈ વ્યક્તિ મળી આવેલી નથી અન્ય આરોપીઓને નામદાર અદાલત દ્વારા રેગ્યુલર જામીન પર મુક્ત કરવામાં આવેલા છે. આ કામમાં ચાર્જશીટ પણ રજૂ થઈ ગયેલી છે તેમજ મરણ જનારને કોઈ ઈજાઓ પહોંચાડેલી હોય તેવું પણ ચાર્જશીટના પેપર્સ જોતાં જણાય આવતું નથી. બચાવ પક્ષની દલીલો અને પોલીસ તપાસના કાગળો ધ્યાને લઈ નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા અશોક છગનભાઈ બાળાને શરતી જામીન ઉપર મુક્ત કરવા હુકમ ફરમાવેલો હતો. આ કામમાં આરોપીઓ વતી ગુજરાત હાઈકોર્ટમાં વિરાટભાઈ પોપટ તથા રાજકોટના યુવા એડવોકેટ ભગીરથસિંહ ડોડીયા, ખોડુભા સાકરીયા, જયવીર બારૈયા, મીલન જોષી, દીપ વ્યાસ, રવિરાજસિંહ જાડેજા, સાગરસિંહ પરમાર તથા જયપાલસિંહ સોલંકી એડવોકેટ તરીકે રોકાયેલા હતા.



