ખાસ-ખબર સંવાદદાતા
દુનિયાના ટોચના ઉદ્યોગપતિ ઈલોન મસ્કની માલિકીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરે 26 એપ્રિલથી 25 મે વચ્ચે ભારતમાં કુલ 11,32,228 એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો છે. તેના પર બાળ જાતીય શોષણ અને આતંકવાદ સંબંધિત નીતિના ભંગ માટે પ્રતિબંધ મૂકાયો હતો. દરમિયાન ઈલોન મસ્કે રવિવારથી ટ્વિટર પર દૈનિક ટ્વીટ જોવાની મર્યાદા લાગુ કરી છે, જેનાથી ભારે હોબાળો મચી ગયો છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરે જણાવ્યું હતું કે, તેણે પ્રતિબંધ મૂકેલા મોટાભાગના એકાઉન્ટ પર દુવ્ર્યવહાર-ઉત્પીડન (264), નફરતપૂર્ણ ક્ધડક્ટ (84), સંવેદનશીલ એડલ્ટ ક્ધટેન્ટ (67) અને માનહાનિ (51)ના કારણોસર પ્રતિબંધ મૂકાયો છે. ટ્વિટરે દેશમાં આતંકવાદને પ્રોત્સાહન આપવા માટે 1,843 એકાઉન્ટ બંધ કરી દીધા છે. કંપનીએ તેના માસિક રિપોર્ટમાં કહ્યું કે એપ્રિલ-મેના સમય દરમિયાન તેના ફરિયાદ નિવારણ તંત્રના માધ્યમથી કંપનીને ભારતમાં યુઝર્સ તરફથી 518 ફરિયાદો મળી હતી.
- Advertisement -
કંપનીએ આ સપ્તાહે પ્રકાશિત તેના રિપોર્ટમાં કહ્યું કે સ્થિતિની ઝીણવટપૂર્વક સમીક્ષા કર્યા પછી અમે તેમાંથી 25 એકાઉન્ટ પર પ્રતિબંધનો નિર્ણય પલટી નાંખ્યો છે. બાકીના એકાઉન્ટ પર પ્રતિબંધ યથાવત્ રહેશે. નવા આઈટી નિયમ 2021 મુજબ 50 લાખથી વધુ યુઝર્સ વાળા મોટા ડિજિટલ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે માસિક કોમ્પ્લિયન્સ રિપોર્ટ્સ પ્રકાશિત કરવો જરૂરી છે. ટ્વિટરે કહ્યું હતું કે તેણે 90 ફરિયાદો પર કાર્યવાહી કરી છે, જેમાં એકાઉન્ટ રદ કરવા વિરુદ્ધ અપીલ કરાઈ હતી. ગયા મહિને ટ્વિટરે જાહેરાત કરી હતી કે તેણે 26 માર્ચથી 25 એપ્રિલ વચ્ચે ભારતમાં 25,51,623 એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકી દીધો છે.
દરમિયાન સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માલિક ઈલોન મસ્કે ટ્વિટર પર દૈનિક ટ્વીટ જોવાની મર્યાદા લાગુ કરી દીધી છે. હવે અનવેરીફાઈડ યુઝર્સ દૈનિક માત્ર 600 ટ્વીટ જોઈ શકશે જ્યારે માસિક સબસ્ક્રિપ્શન ભર્યું હોય તેવા બ્લુ ટીક ધરાવતા વેરીફાઈડ યુઝર્સ દૈનિક 6,000 ટ્વીટ જોઈ શકશે. મસ્કના આ નિર્ણયથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ભારે હોબાળો મચી ગયો હતો.હજારો યુઝર્સે મસ્કની આ નવી નીતિની આકરી ટીકા કરી હતી. જોકે, મસ્કનું કહેવું હતું કે, માઈક્રો બ્લોગિંગ સાઈટ પરથી સંભવિતરૂપે કિંમતી ડેટા ચોરી રોકવા માટે આ પગલું જરૂરી હતું.