મવડી-વાવડીમાં મેગા ડિમોલિશન
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોષીના અધ્યક્ષસ્થાને બે દિવસ પહેલા મળેલી રેવન્યુ ઓફિસરોની મિટિંગમાં શહેર અને જિલ્લામાં સરકારી જમીનો પર થયેલા દબાણો તાકીદે દૂર કરવા આદેશ આપ્યા હતાં. જેના પગલે આજે રાજકોટનાં દક્ષિણ મામલતદાર કાકડીયા અને તાલુકા મામલતદાર દ્વારા મવડી અને વાવડી વિસ્તારમાં સવારથી મેગા ડિમોલિશન શરૂ કરી 28 કરોડની સરકારી જમીન પરનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું.
રાજકોટ શહેરમાં જમીનના ભાવ આસમાને પહોંચી જતાં ભૂ-માફીયાઓ દ્વારા સરકારી જમીન પર રાતોરાત દબાણ કરી ઝૂંપડા, મકાન અને કોમર્શિયલ બાંધકામો ખડકી દેવામાં આવ્યા હતાં. જે કલેકટર પ્રભવ જોષીનાં ધ્યાન પર આવતાં સરકારી જમીન ઉપરના દબાણો તાકીદે દૂર કરવા સૂચના આપી હતી. 2 દિવસ અગાઉ રેવન્યુ ઓફિસની મળેલી બેઠકમાં પણ પેન્ડીંગ રહેલા ડિમોલિશન તાકીદે કરવા આદેશ આપ્યા હતાં. જેના આધારે આજે દક્ષિણ મામલતદાર કાકડીયા, સર્કલ ઓફિસર અજયસિંહ જાડેજા, તલાટી મંત્રી ચિરાગ કાનગડ સહિતના સ્ટાફે પોલીસ બંદોબસ્તને સાથે રાખી મવડી પ્રગટેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલ 3000 ચો.મી.સરકારી જમીન પર ખડકી દેવાયેલ 35 થી 40 ઝૂંપડા અને કોમશિર્યલ બાંધકામ પર બુલડોઝર ફેરવી દઈ 24 કરોડની કિંમતી જમીન ખુલ્લી કરી હતી.
જ્યારે બીજી બાજુ તાલુકા મામલતદાર સહિતના સ્ટાફે વાવડી વિસ્તારમાં આવેલ સર્વે નં.149 પૈકી 3000 ચો.મી.સરકારી જમીન ઉપર 10 જેટલા મકાન અને 7 થી 8 દુકાન અને હોટલો ખડકી દેવામાં આવી હોવાનું તંત્રના ધ્યાન પર આવતાં આખરી નોટિસ ઈસ્યુ કર્યા બાદ પણ દબાણકર્તાઓએ દબાણ નહીં હટાવતાં આજે સવારે તાલુકા મામલતદાર, નાયબ મામલતદાર કિરીટસિંહ સહિતના સ્ટાફે પોલીસના સ્ટાફને સાથે રાખી જેસીબી સાથે વાવડી ગામ, પુનિતનગર બસ સ્ટેન્ડની પાછળના ભાગે, સરકારી જમીન પર ખડકી દેવાયેલ દબાણો પર બુલેડોઝર ફેરવી દઈ 4 કરોડની જમીન ખુલ્લી કરી હતી.