ડૉ. સુધીર શાહ, એડ્વોકેટ
20 જાન્યુઆરી, 2025ના દિવસે એક વાર અમેરિકાના પ્રેસિડન્ટ બની ચૂકેલા ડોનાલ્ડ ટ્રમ્પે બીજી વાર અમેરિકાના 47મા પ્રેસિડન્ટનું પદ ધારણ કર્યું અને અમેરિકામાં વર્ષોથી ગેરકાયદેસર રહેતા તેમ જ જેઓ અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશવાના વિચારો કરતા હતા એ બધા જ ભારતીયોમાં ગભરાટ ફેલાઈ ગયો.
‘આપણે હવે અમેરિકામાં જઈ શકશું કે કેમ? ત્યાં રહી શકશું કે કેમ? ત્યાં કામ કરી શકશું કે કેમ? ડોલર કમાઈ શકશું કે કેમ? જો ગેરકાયદેસર રહેતા કે કામ કરતા પકડાઈ જઈશું તો ડોનાલ્ડ ટ્રમ્પ આપણને પકડીને જેલમાં નાખશે? હાથ અને પગમાં બેડીઓ પહેરાવીને મિલિટરી વિમાનોમાં ભારત પાછા મોકલી આપશે?’ આવા આવા વિચારોએ અમેરિકન સ્વપ્નાં સેવતા, પણ કાયદેસર ઈમિગ્રન્ટ વિઝા મેળવીને અમેરિકામાં કાયમ રહેવા માટે અસમર્થ અને નોન-ઈમિગ્રન્ટ વિઝા મેળવીને થોડા સમય માટે પણ અમેરિકામાં પ્રવેશ મેળવવા અને કામ કરવાની ઈચ્છા ધરાવનારાઓ પણ અકળાઈ ગયા.
- Advertisement -
એમનાં અમેરિકન સ્વપ્નાંઓ વેરવિખેર થઈ ગયાં. ‘હવે આપણે અમેરિકાને ભૂલી જવું પડશે?’ એવું તેઓ વિચારવા લાગ્યા. અમેરિકા જવાની અદમ્ય ઈચ્છા ધરાવનારા ભારતીયો જેઓ અમેરિકાના ઈમિગ્રન્ટ તેમ જ નોન-ઈમિગ્રન્ટ વિઝા મેળવવાની લાયકાત ધરાવતા ન હતા અને લાયકાત ધરાવનારાઓને કાયદેસર ઈમિગ્રન્ટ યા નોન-ઈમિગ્રન્ટ વિઝા મળતાં જેટલી વાર લાગે એટલો સમય ધીરજ ધરવાની ઈચ્છા ન ધરાવતા અને એ કારણસર અમેરિકન સિટિઝનો જોડે બનાવટી લગ્ન કરીને, અસાયલમ માગીને કે અન્ય જુદી જુદી રીતે મેક્સિકો યા કેનેડામાંથી જેઓ અમેરિકામાં ઘૂસવાની ઈચ્છા ધરાવતા હતા એ સર્વેને એવું જણાયું કે એમના ઈરાદાઓ હવે બર નહીં આવે અને તેઓ એમનાં અમેરિકન સ્વપ્નાં પૂરાં કરી નહીં શકે. ડોનાલ્ડ ટ્રમ્પે જે દિવસે અમેરિકાના પ્રેસિડન્ટોના રહેઠાણ વોશિંગ્ટન ડીસીમાં આવેલ વ્હાઉટ હાઉસમાં પગ મૂક્યો એ જ દિવસે એટલે કે 20મી જાન્યુઆરી, 2025ના દિવસે અમેરિકાના બંધારણના ચૌદમા સુધારા હેઠળ જે બાળક અમેરિકાની ધરતી ઉપર જન્મ લે એને જન્મતાંની સાથે જ અમેરિકાનું નાગરિકત્વ પ્રાપ્ત થાય છે, એમની માતાનું સ્ટેટસ ગમે તે હોય, તેઓ ઈલ્લિગલી પણ હોય, તોયે ફક્ત અમેરિકાની ધરતી ઉપર જન્મ લીધો છે એ કારણસર એ બાળકને અમેરિકાની સિટિઝનશિપ આપવામાં આવે એવો જે કાયદો લગભગ 145 વર્ષ પહેલાં ઘડવામાં આવ્યો છે.
એ કાયદાને ડોનાલ્ડ ટ્રમ્પે એના પ્રેસિડન્ટશિપના પ્રથમ દિવસે જ એક એક્ઝિક્યુટિવ ઓર્ડર બહાર પાડીને રદ કર્યો અને આ ‘બર્થ સિટિઝનશિપ’ને બાન કરી. સમગ્ર વિશ્ર્વમાં આથી ખળભળાટ મચી ગયો. ભારતમાંથી સેંકડો સ્ત્રીઓ ગર્ભવતી બને અને એમની ગર્ભાવસ્થા ચાર-પાંચ મહિનાની થાય, જ્યારે એ દેખાઈ આવતી ન હોય, ત્યારે ‘બી-1/બી-2’ વિઝા મેળવીને અમેરિકામાં પ્રવેશતી હતી અને ત્યાં એમના બાળકને જન્મ આપીને એને અમેરિકાનું નાગરિકત્વ અપાવતી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે એક્ઝિક્યુટિવ ઓર્ડર ઉપર એમની એક જ સહી દ્વારા આ સવલત બંધ કરી દીધી. જો કે ટ્રમ્પના આ એક્ઝિક્યુટિવ ઓર્ડરને કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. એવી દલીલ કરવામાં આવી છે કે ‘જે અધિકાર કાયદા દ્વારા આપવામાં આવ્યો છે એ અધિકારને અમેરિકાના પ્રેસિડન્ટ પણ એમના એક્ઝિક્યુટિવ ઓર્ડર દ્વારા છીનવી ન શકે.’ અમેરિકાની કોર્ટે મનાઈહુકમ બહાર પાડીને ડોનાલ્ડ ટ્રમ્પના આ પ્રથમ પગલાને અટકાવી દીધો છે. અનેક ભારતીયો જેઓ ત્યાં ભણવા જાય છે, ડોક્ટરેટની ડિગ્રી મેળવવા જાય છે અને બે-ચાર યા દસ વર્ષ સુધી અભ્યાસ કરતા હોય છે તેઓ લગ્ન કરે અને એમને સંતાનની પ્રાપ્તિ થાય તો એ સંતાન, જેને પહેલાં અમેરિકાનું નાગરિકત્વ પ્રાપ્ત થતું હતું, એ ટ્રમ્પના એક્ઝિક્યુટિવ ઓર્ડરને કારણે છીનવાઈ ગયું છે. ‘એચ-1બી’, ‘એલ-1’, ‘આઈ’, ‘આર-1’ આવા આવા પ્રકારના નોન-ઈમિગ્રન્ટ વિઝા ઉપર જેઓ લાંબો સમય સુધી અમેરિકામાં રહી શકે છે અને એમને જે સંતાનો થાય એમનું શું? ભલે ડોનાલ્ડ ટ્રમ્પના એક્ઝિક્યુટિવ ઓર્ડરને કોર્ટે તત્પૂરતો અટકાવી દીધો છે, પણ જ્યાં સુધી કોર્ટનો ફાઈનલ ચુકાદો નહીં આવે ત્યાં સુધી આવાં બાળકોનું ભવિષ્ય અનિશ્ર્ચિંત રહેશે અને એમનાં માતા-પિતાને ચિંતા સતાવતી રહેશે. ડોનાલ્ડ ટ્રમ્પે ત્યાર બાદ એક પછી એક એમ ત્રણ મિલિટરી વિમાનોમાં અમેરિકામાં રહેતા ઈલ્લિગલ ભારતીયોને હાથમાં બેડીઓ પહેરાવીને અને પગમાં સાંકળો બાંધીને ભારત મોકલી આપ્યા. આ કારણસર સેંકડો ભારતીયો, જેઓ અમેરિકામાં ઈલ્લિગલી છે
એમના મનમાં ભયંકર ધાક પેસી ગઈ. ઈમિગ્રેશન ઓફિસર ક્યારે આવશે અને અમારી ધરપકડ કરશે, અમને આવી જ રીતે બેડીઓ પહેરાવીને, સાંકળો બાંધીને ભારત પાછા મોકલી આપશે એની ચિંતામાં તેઓ પડી ગયા. આ કૃત્યના કારણે જેઓ ઈલ્લિગલી અમેરિકામાં પ્રવેશવાનો વિચાર કરતા હતા તેઓ વિમાસણમાં પડી ગયા, ‘શું હવે અમારે અમેરિકામાં ઈલ્લિગલી જવું કે નહીં?’ ઈમિગ્રેશનની બાબતમાં એક ત્રીજા પગલા રૂપે ટ્રમ્પે ઈમિગ્રેશન માટે જે અમેરિકાની સેનેટ બજેટ ફાળવતી હોય છે એમાં એવી માગણી કરી કે ઈમિગ્રેશન ખાતાને સામાન્ય રીતે જેટલું બજેટ ફાળવવામાં આવે છે એનાથી પાંચ ગણું બજેટ ફાળવવામાં આવે, જેથી તેઓ મેક્સિકોની સરહદ ઉપર દીવાલ ચણવાનું કામ કરી શકે, ઈલ્લિગલ ઈમિગ્રન્ટોને પકડવા માટે વધુ ઓફિસરોની નિમણૂંક કરી શકે અને એમને જેલમાં રાખવા માટે વધુ જેલોનું નિર્માણ કરી શકે. વર્ષ 1990માં એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ ચાર પ્રેફરન્સ કેટેગરીમાં એક પાંચમી ‘ઈબી-5 પ્રોગ્રામ’ કેટેગરીનો ઉમેરો કરવામાં આવ્યો છે. આની હેઠળ જે કોઈ પણ પરદેશી અમેરિકાનાં મોટાં શહેરોમાં દસ લાખ પચાસ હજાર ડોલર અને પછાત પ્રદેશમાં આઠ લાખ ડોલરનું નવા બિઝનેસમાં રોકાણ કરીને અને એમાં દસ અમેરિકનોને ફુલટાઈમ નોકરીમાં રાખે એમને ગ્રીનકાર્ડ આપવા એવો કાયદો ઘડવામાં આવ્યો છે.
- Advertisement -
વર્ષ 1993માં આમાં વધારો કરીને જે અમેરિકન કંપનીઓ મોટા મોટા પ્રોજેક્ટો કરતી હોય અને જેમને ઈમિગ્રેશન ખાતાએ રિજનલ સેન્ટર તરીકે રેક્ગ્નાઈઝ્ડ કરતી હોય એમાં રોકાણ કરતાં પણ ગ્રીનકાર્ડ આપવામાં આવે છે. આ કાયદાનો અમલ વર્ષ 2027 સુધી લંબાવવામાં આવ્યો છે. ટ્રમ્પે એમના એક્ઝિક્યુટિવ ઓર્ડર દ્વારા આ ઈબી-5 પ્રોગ્રામ હેઠલ અપાતા ગ્રીનકાર્ડ ન આપવા અને એના બદલે પાંચ ગણી રકમ એટલે કે રૂપિયા 45 કરોડ જેટલા પૈસા અમેરિકાની સરકારને આપે એ પરદેશીને ગ્રીનકાર્ડ આપવા એવો ‘ગોલ્ડ કાર્ડ’ દાખલ કર્યો છે. આ કારણસર પણ જે સેંકડો ભારતીયોએ ઈબી-5 પ્રેગ્રામ હેઠળ રોકાણ કર્યું છે તેઓ ચિંતા પડી ગયા છે કે એમના રોકાણનું શું? અને જેઓ રોકાણ કરવાની વેતરણમાં હતા તેઓ વિમાસણમાં પડી ગયા છે કે શું રોકાણ કરવું કે નહીં? ઈબી-5 પ્રોગ્રામ ચાલુ છે કે નહીં? એનું ભવિષ્ય શું છે? આમ બીજી વાર પ્રેસિડન્ટ બનેલા ડોનાલ્ડ ટ્રમ્પે ઈમિગ્રેશનની બાબતમાં અમેરિકન સ્વપ્નાં સેવતા લોકોમાં ભયનાં મોજાં ફેલાવી દીધાં છે. ટ્રમ્પ હવે શું કરશે?
ફેમિલી પ્રેફરન્સ કેટેગરીઓને નાબૂદ કરશે? એચ-1બી વિઝાના ક્વોટા ઘટાડી નાખશે કે એ બંધ જ કરી નાખશે? પરદેશી સ્ટુડન્ટોને જે ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ પિરિયડ આપવામાં આવે છે એ અટકાવી દેશે? આવા આવા વિચારો અમેરિકા જવાનો ઈરાદો ધરાવનાર લોકો કરતાં થઈ ગયા છે. સૌ એકબીજાને પૂછી રહ્યા છે કે પ્રેસિડન્ટ ટ્રમ્પ હવે ઈમિગ્રેશનના કાયદાઓમાં બીજા શું શું ફેરફારો લાવશે? પ્રેસિડન્ટ ટ્રમ્પ જે કંઈ પણ ફેરફાર કરે, પણ તેઓ અમેરિકાનો જે ‘ઈમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ’ છે અને ઈમિગ્રેશનને લગતા બીજા જે કાયદાઓ ઘડવામાં આવ્યા છે એમાં એક્ઝિક્યુટિવ ઓર્ડરો દ્વારા ફેરફારો આણી નહીં શકે. હા, તેઓ ઈમિગ્રેશનના નિયમો ચુસ્તપણે પાળવામાં આવે એવો આગ્રહ સેવશે. ઈમિગ્રેશન ઓફિસરની સંખ્યામાં વધારો કરશે. મેક્સિકો અને કેનેડાની બોર્ડરો ઉપર વધુ જાપ્તો ગોઠવશે. ઈલ્લિગલ ઈમિગ્રન્ટોને જરૂરથી સજા કરશે યા એમના દેશમાં પાછા મોકલી આપશે. પણ જેઓ કાયદેસર અમેરિકામાં રહેતા હશે એવા પરદેશીઓને એમણે સાંખી લેવા જ પડશે. અમેરિકાને પણ ઈમિગ્રન્ટોની જરૂર છે જ અને એટલે જ તો અમેરિકા ‘ઈમિગ્રન્ટોનો દેશ’ તરીકે ઓળખાય છે. તમે જો અમેરિકન સ્વપ્નું સેવતા હોવ તો એ કાયદેસર જ પૂરું કરવાનો ઈરાદો સેવજો.