ખાસ-ખબર ન્યૂઝ વોશિંગ્ટન, તા.10
ટ્રમ્પ વહીવટીતંત્રએ વિઝા ફીમાં એટલો તોતિંગ વધારો કર્યો છે કે ભારતીય વિદ્યાર્થીઓથી લઈને પ્રોફેશનલ્સ અને ટુરિસ્ટ માટે પણ વિઝા માટે અરજી કરવાનું મોંઘું થઈ ગયું છે. ટ્રમ્પે બિગ એન્ડ બ્યૂટીફૂલ બિલ હેઠળ 250 ડોલર (અંદાજે રુ. 21,000)ની વિઝા ઇન્ટિગ્રિટી ફી લાગુ કરી દીધી છે.
ટ્રમ્પનુ આ મહત્ત્વાકાંક્ષી બિલ ચાર જુલાઈના રોજ કાયદો બની ગયું છે. બિલ હેઠળ આવતી ફી મોંઘવારી મુજબ દર વર્ષે બદલાશે. તે એક પ્રકારના સિક્યોરિટી ડિપોઝિટ જેવી હશે, આ રકમ વિઝા માટે અરજદાર જો કેટલીક શરતોનું પાલન કરે છે તો પરત કરવામાં આવે છે.
- Advertisement -
આ પગલાં દ્વારા ટ્રમ્પ તંત્રએ ભારતીયોને સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે તમે અનવોન્ટેડ છો. ટ્રમ્પ વહીવટીતંત્ર તરફથી આ નવી ફીને અરજદારોને અમેરિકાના ઇમિગ્રેશન કાયદાનું પાલન કરવાના પ્રયત્નોના સ્વરૂૂપમાં જોવામાં આવી રહી છે. આના પગલે હવે ભારતીય વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સનું અમેરિકન ડ્રીમ મોંઘું થઈ ગયું છે.
નવા નિયમ મુજબ આ અનિવાર્ય ફી 2026થી અમલી બનશે. તે કોઈપણ વિદેશીને જારી કરવામાં આવેલા કોઈપણ અપ્રવાસી વિઝા અરજી પર લાગુ પડશે. તેમા ટુરિસ્ટ-બિઝનેસ, (બી-વન, બી-ટુ), સ્ટુડન્ટ (એફ-એમ), વર્ક (એચ-1બી) અને એક્સ્ચેન્જ (જે) વિઝા પર પણ લાગુ પડશે. ફક્ત ડિપ્લોમેટિક વિઝા કેટેગરી (એ અને જી)ને જ તેમા છૂટ આપવામાં આવી છે.
અમેરિકા સ્થિત ઇમિગ્રેશન સર્વિસ ફર્મ ફ્રેગોમેનના રિપોર્ટમાં જણાવાયું છે કે બિલમા અન્ય યાત્રા સંલગ્ન ફી પણ સામેલ છે. તેમા 24 ડોલરની આઇ-94 ફી, વિઝા છૂટ કાર્યક્રમો માટે 13 ડોલરની ઇલેક્ટ્રોનિક સિસ્ટમ ફોર ટ્રાવેલ ઓથોરાઇઝેશન (ઇએસટીએ) ફી, અને 10 વર્ષીય બી-વન,બી-ટુ વિઝાવાળા ચીની નાગરિકો માટે 30 ડોલરની ઇલેક્ટ્રોનિક વિઝા અપડેટ સિસ્ટમ (ફી) પણ સામેલ છે. આમા ક્યાંય રાહત નથી.
આજની તારીખમાં ભારતીયો માટે અમેરિકન ટુરિસ્ટ-બિઝનેસ વિઝાની કિંમત 185 ડોલર એટલે કે 15,855 રૂૂપિયા છે. નવા સરચાર્જ સાથે તેમા 250 ડોલરની ઇન્ટિગ્રિટી ફી ઉમેરાતા, 24 ડોલરની આઇ-94 ફી અને 13 ડોલરની ઇએસટીએ ફી ઉમેરાઈ છે. આમ ટુરિસ્ટ વિઝાની કિંમત વધીને સીધી 472 ડોલર એટલે કે રૂ. 40,456 રૂપિયા થઈ ગઈ છે. આ ફી મૂળ કિંમત કરતાં અઢી ગણી વધારે છે.