અમેરિકાના રાષ્ટ્રપતિ 2 એપ્રિલથી લાગુ કરશે ‘રેસિપ્રોકલ ટેરિફ’: નવી ટેરિફ નીતિ અમેરિકાને વિદેશી વસ્તુઓ પર નિર્ભરતાથી મુક્ત કરશે: ભારત સહિત વિશ્ર્વના અનેક દેશો ઉપર થશે અસર
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
નવું નાણાકીય વર્ષ 2025-2026 શરૂ થઈ ગયું છે અને આ સાથે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિદેશથી આયાત થતા ઘણા ઉત્પાદનો પર નવા ટેરિફ લાદવા જઈ રહ્યા છે, જેની જાહેરાત તેઓ 2 એપ્રિલ (બુધવાર) ના રોજ કરવા જઈ રહ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 2 એપ્રિલ, 2025 ને મુક્તિ દિવસ તરીકે જાહેર કર્યો છે. આવતીકાલથી તેઓ વિવિધ દેશોમાંથી આયાત થતા માલ પર નવા ટેરિફ લાદવા જઈ રહ્યા છે. ટ્રમ્પે તેને અમેરિકા માટે એક ઐતિહાસિક પગલું ગણાવ્યું છે, જેનો ઉદ્દેશ્ર્ય દેશને વિદેશી માલ પર નિર્ભરતામાંથી મુક્ત કરવા અને અમેરિકન અર્થતંત્રને મજબૂત બનાવવાનો છે. આ જાહેરાતથી ભારત સહિત વૈશ્ર્વિક વ્યવસાયો, બજારો અને ગ્રાહકોમાં વ્યાપક ચર્ચા અને અનિશ્ર્ચિતતા પેદા થઈ છે. એવો ભય છે કે આનાથી અમેરિકા અને તેના વેપાર ભાગીદારો વચ્ચે પહેલાથી ચાલી રહેલા વેપાર યુદ્ધને વધુ ગાઢ બનાવશે. ચાલો જાણીએ કે ટ્રમ્પના આ મુક્તિ દિવસથી શું અપેક્ષા રાખી શકાય. ટ્રમ્પે 2 એપ્રિલને મુક્તિ દિવસ તરીકે વર્ણવ્યો છે અને કહ્યું છે કે તેમની નવી ટેરિફ નીતિ અમેરિકાને વિદેશી માલ પર નિર્ભરતામાંથી મુક્ત કરશે. તેમના મતે, આ ડ્યુટીઓ અન્ય દેશો દ્વારા અમેરિકન ઉત્પાદનો પર લાદવામાં આવતા કરની સમકક્ષ હશે. જોકે, આ નીતિ કેવી રીતે લાગુ કરવામાં આવશે તે અંગે હજુ પણ ઘણા પ્રશ્ર્નો છે. ટ્રમ્પ માને છે કે આ પગલું અમેરિકાના વેપાર અસંતુલનને સુધારશે અને અમેરિકન માલ પર ભારે ટેરિફ લાદનારા દેશોને જવાબ આપશે. દશકોથી આપણને વિશ્ર્વના દરેક દેશ, મિત્ર અને શત્રુ બંને દ્વારા લૂંટવામાં આવ્યા છે. અમેરિકા માટે તેના પૈસા અને સન્માન પાછું લેવાનો સમય આવી ગયો છે, ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું. વધુમાં, ટ્રમ્પ વહીવટીતંત્રે સંકેત આપ્યો છે કે આ ટેરિફ એવા દેશો પર ધ્યાન કેન્દ્રિત કરશે જેમની પાસે અમેરિકા સાથે મોટો વેપાર સરપ્લસ છે, જેમ કે ચીન, યુરોપિયન યુનિયન, મેક્સિકો, વિયેતનામ, જાપાન અને ભારત. ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે ગયા અઠવાડિયે કહ્યું હતું કે ટેરિફ ડર્ટી 15 દેશોને લક્ષ્ય બનાવશે જે યુએસ વેપાર ખાધમાં સૌથી વધુ ફાળો આપે છે.