વર્ષો પહેલાની વાત છે. અરબસ્તાનમાં રબિયા બસરી નામના સૂફી સંત થઈ ગયા. રબિયાજી નાના એવા ગામથી થોડે દૂર એક સામાન્ય ઝૂંપડામાં રહેતા હતા. એ સમયે ઇલેક્ટ્રિસિટીની શોધ થયેલી ન હતી માટે રાત્રિના સમયે જો કોઈ અગત્યનું કામ હોય તો લોકો ગામના ચોગાનમાં રાખેલી મશાલના અજવાળામાં પોતાનું કામ આટોપતા. એક દિવસ સાંજના સમયે મશાલના અજવાળામાં રબિયાજી કંઈક શોધતા હતા. યાંથી થોડા યુવાનો પસાર થયા. એમણે જોયું કે રબિયાજી કંઈક શોધી રહ્યા છે આથી મદદ કરવાની ભાવનાથી યુવાનોએ રબિયાજીને પૂછ્યું, આપ શું શોધો છો ? આપનું કંઈ ખોવાયું છે ? શું અમે આપને મદદ કરીએ ? રબિયાજીએ કહ્યું, બેટા, મારી કપડાં સાંધવાની સોય ખોવાઈ છે એ શોધું છું. તમે બધાં મને મદદ કરશો તો હું બધાંની આભારી રહીશ. બધાં યુવાનો સોય શોધવા લાગ્યા. થોડા સમય સુધી પ્રયત્ન કરવા છતાં સોય ન મળી ત્યારે યુવાનોએ રબિયાજીને પૂછ્યું, આપની સોય ખોવાઈ છે ક્યાં એ તો કહો. ત્યારે રબિયાજીએ ગામથી દૂર રહેલી પોતાની ઝૂંપડી તરફ હાથ ચીંધીને કહ્યું, સોય તો મારી ઝૂંપડીમાં ખોવાઈ છે. પરંતુ ઝૂંપડામાં અંધારુ છે અને અહીં સરસ અજવાળું છે, માટે અહીં શોધું છું. યુવાનો પેટ પકડીને હસવા લાગ્યા. યુવાનોને હસતાં જોઈને રબિયાજીએ એનું કારણ પૂછ્યું ત્યારે યુવાનોએ હસતાં હસતાં જ કહ્યું, તમે પણ કેવી મૂરખ જેવી વાત કરો છો. સોય જ્યાં ખોવાઈ હોય ત્યાં જ મળે, પછી ભલે ત્યા અંધારુ હોય.
જ્યાં ખોવાઈ જ નથી ત્યાં આ મશાલ નહીં, સૂર્યપ્રકાશ હોય તો પણ ન મળે. આ સાંભળતા જ રબિયાજીએ કહ્યું, હું એકલી ક્યાં મૂર્ખ છું. આખી દુનિયા પણ મૂર્ખ જ છે ને ? બધાંનુ સુખ અને શાંતિ ખોવાયા છે કોઈ જુદી જગ્યાએ અને શોધે છે કોઈ જુદી જગ્યાએ ! આપણું સાચું સુખ, શાંતિ કે આનંદ માત્ર અને માત્ર પરિવાર અને મિત્રો સાથેના મજબૂત સંબંધોમાં ખોવાયું છે; અને આપણે એને શોધીએ છીએ પદ, પૈસા અને પ્રતિષ્ઠાના ઝગમગાટમાં.
- Advertisement -
મારા જીવનની આનંદદાયક પળો બહુ ગણીગાંઠી છે જે મેં મારા ઘેર મારા પરિવાર સાથે વિતાવી છે
– થોમસ જેફરસન



