લીલાપુરથી મગફળી ભરીને માર્કેટીંગ યાર્ડમાં જતા ખેત શ્રમિકને રસ્તામાં જ કાળ આંબી ગયો
ખાસ-ખબર સંવાદદાતા
હળવદ તાલુકાના લીલાપુરથી ટ્રેક્ટરમાં મગફળી ભરીને હળવદ માર્કેટીંગ યાર્ડમાં ખેત શ્રમિકો વેચવા માટે આવી રહ્યા હતા ત્યારે હળવદ અમદાવાદ હાઈવે પર ગઈકાલે મોડી સાંજે શક્તિનગર ગામ પાસે પાછળથી આવી રહેલ ટ્રકે ટક્કર મારતા ટ્રેક્ટરની ટ્રોલીમાં બેઠેલા યુવાનો ટ્રોલી પલટી મારી જતા નીચે દબાઈ ગયા હતા જેમાં એકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે જ્યારે એકને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યો હતો.
છોટાઉદેપુર જીલ્લાના રંગપુર ગામના જોરીયાભાઈ નારણભાઈ ધાનુક ઉંમર વર્ષ 18 મજુરી કામ માટે હળવદ તાલુકાના લીલાપુર ગામના અશ્વિનભાઈની વાડીએ આવ્યા હતા ત્યારે ગઈકાલે સાંજના સમયે જોરીયાભાઈ અને પુનાભાઈ સાથે ટ્રેક્ટરના ડ્રાઇવર મગફળી લઈ હળવદ માર્કેટીંગ યાર્ડમાં વેચવા માટે આવી રહ્યા હતા ત્યારે શક્તિનગર ગામ પાસે હાઈવે પર પાછળથી આવી રહેલ ટ્રક ચાલકે ટ્રેક્ટરને ટક્કર મારતા ટ્રેક્ટરની ટોલીમાં બેઠેલા જોરીયાભાઈ નારણભાઈ ધાનુકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે પુનાભાઈને ગંભીર ઈજા પહોંચતા મોરબી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા તો બીજી તરફ અકસ્માતમાં ટ્રેક્ટરચાલકનો આબાદ બચાવ થયો હતો.