વારંવાર સર્વર ડાઉન થતાં વિદ્યાર્થીઓ હેરાન-પરેશાન, એસ.ટી. તંત્રને રજૂઆત છતાં મક્કમ પગલાં લેવાતા નથી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ જઝ બસપોર્ટ ખાતે લાંબા સમયથી મુસાફરો અને ખાસ કરીને વિદ્યાર્થીઓને વિવિધ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. રાજકોટ, જે સૌરાષ્ટ્રનું શૈક્ષણિક હબ બની ગયું છે, ત્યાં આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે જઝ બસોનો ઉપયોગ કરે છે. નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ સાથે જ પાસ કઢાવવાનો સમય ઘટાડી દેવામાં આવ્યો છે, અને સર્વર ડાઉનની સમસ્યાઓ પણ વારંવાર નડી રહી છે. પરિણામે, વિદ્યાર્થીઓને કલાકો સુધી લાંબી કતારોમાં ઊભા રહેવું પડે છે, જેનાથી તેમનો કિંમતી સમય વેડફાય છે.
- Advertisement -
વિદ્યાર્થીઓ તરફથી એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિને ટેલીફોનિક ફરિયાદ કરવામાં આવતા તેઓ રૂબરૂ એસ.ટી બસ પોર્ટ પર દોડી જઈ એસ.ટીના અધિકારી ઉપસ્થિત ન હોવાને પગલે ફરજ પરના સ્ટેન્ડ ઇન્ચાર્જ એ.ટી.આઈ. આર.ડી. મકવાણાને ટેલીફોનિક રજૂઆત કરી હતી. જેમાં ફરીથી જુના સમય મુજબનો પાસ કાઢવાનો સમય સવારનો 7:00 વાગ્યાનો કરવા અને જે સમય દરમિયાન પાસ કાઢવાનો હોય તેના બોર્ડ લગાવવા તેમજ બેઠક વ્યવસ્થા તાત્કાલિક ઊભી કરવા માંગ કરી હતી.