રાજકોટ બાયપાસ રોડ પર ટ્રક-બસ વચ્ચેની ટક્કરમાં રેતી ભરેલું ડમ્પર પલટી ગયું, ચાલકને સામાન્ય ઈજા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગત મોડી રાત્રે રાજકોટ બાયપાસ ગોંડલ ચોકડી પૂલ ઉતરતા ટ્રક, બસ અને ડમ્પર વચ્ચે ત્રીપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રેતી ભરેલું ડમ્પર હાઇવે ઉપર જ પલટી ખાઈ ગયું હતું. આ ઘટનામાં ડમ્પરચાલકને સામાન્ય રીતે પહોંચતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ ગંભીર જાનહાનિ થઇ ન હતી. પરંતુ રાત્રિના સમયે હાઇવે ઉપર ડમ્પર પલટી જતા ટ્રાફિકજામ સર્જાયો હતો.
પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટ બાયપાસ ગોંડલ ચોકડી પાસે 2 જૂનની રાત્રે 2:30 વાગ્યા આસપાસ ટ્રક અને ખાનગી બસ વચ્ચે અકસ્માત થયો હતો. આ દરમિયાન રેતી ભરેલું ડમ્પર પલટી ખાઈ ગયું હતું. આ ઘટનામાં ડમ્પરચાલકને ઈજા પહોંચતા તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, આ દરમિયાન ડમ્પર રસ્તા વચ્ચે જ પલટી ખાઈ ગયુ હોવાથી રાત્રિના સમયે ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા હતા. અકસ્માત થતા ખાનગી બસમાં સવાર મુસાફરો પણ ડરી ગયા હતા. બાદમાં વહેલી સવારે પોલીસને અકસ્માત અંગે જાણ કરવામાં આવી હતી. જે બાદ આજીડેમ પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી અને રસ્તા પર પડેલા ટ્રકને સાઈડમાં ખસેડી ટ્રાફિક પૂર્વવત કર્યો હતો. અકસ્માતમાં ટ્રકચાલકને માત્ર સામાન્ય ઇજા પહોંચી હતી.