પતિએ પત્ની, પ્રેમી અને 10 વર્ષના બાળકને ટ્રકની ટક્કર મારી હત્યા કરી
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના આજીડેમ વિસ્તારમાં ત્રિપલ મર્ડરની ચોંકવનારી ઘટના સામે આવી છે. જેમાં એક વ્યક્તિએ પોતાની બેવફા પત્ની, તેના પ્રેમી અને 10 વર્ષના બાળકને ટ્રકથી ટક્કર મારીને મોતને ઘાટ ઉતારી દીધા છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, આજીડેમ ચોકડી નજીક આજે સાંજે એક ક્ધટેનર ટ્રકે સ્કૂટરને અડફેટમાં લેતા એક બાળક સહિત 3 લોકોના મોત નીપજ્યા હતા. આ બાબતની જાણ થતાં આજી ડેમ પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતકની ઓળખ નવનીત વરુ (24) અને પારુલ દાફડા (32) તરીકે થઈ હતી. જે બન્ને કેટરિંગનું કામ કરતાં હતા. જ્યારે અકસ્માત સર્જનાર ટ્રક ડ્રાઈવર બીજુ કોઈ નહીં પરંતુ મૃતક પારૂલનો પતિ હોવાનું સામે આવ્યું છે.
મૃતકના ભાઈની પૂછપરછમાં સામે આવ્યું છે કે, મૃતક પારૂલ અને નવનીત વરુ વચ્ચે ઘણા સમયથી પ્રેમ સબંધ હતો. બન્ને લગભગ 6 મહિના સાથે પણ રહ્યા હતા. જો કે આ બાબતની જાણ થતા પારૂલ અને તેના પતિ વચ્ચે ઘણાં સમયથી ઝઘડો ચાલતો હતો.
અકસ્માત જોયા બાદ પોલીસ એવા તારણ પર આવી છે કે, પારુલના પતિએ જ હત્યાના ઈરાદે પોતાની ટ્રકથી સ્કૂટરને ટક્કર મારીને પારુલ, નવનીત અને બાળકની હત્યા કરી છે.