22 એપ્રિલે પહેલગામમાં ફરવા ગયેલા પ્રવાસીઓ પર કાયરતાપૂર્વક હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેનારા આતંકવાદીઓ અને તેમના ઠેકાણાઓને નેસ્તનાબુદ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળ ભારતીય સેનાની ત્રણેય પાંખ દ્વારા ‘ઓપરેશન સિંદૂર’ ચલાવવામાં આવ્યું હતું, જેના કારણે પાકિસ્તાનના તો હાંજા ગગડી જ ગયા હતા સાથે સાથે વિશ્ર્વભરમાં ભારતીયો અને ભારતીય સેના શું છે, તેનો પરચો મળી જવા પામ્યો હતો. ભારતીય સેનાના શૌર્યને બિરદાવવા માટે રાજકોટ સહિત સમગ્ર દેશમાં તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. જે સિલસિલામાં ભાજપ દ્વારા રાજકોટમાં દેશભક્તિના ગીતો, નાસિક ઢોલ અને બેન્ડની સૂરાવલી તેમજ શૌર્ય-સાહસને લગતાં વિવિધ બેનર તેમજ પ્લેકાર્ડ સાથે તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી દેશદાઝનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
આ યાત્રામાં વિશાળ તિરંગો પણ સાથે રાખવામાં આવ્યો હતો. આ યાત્રામાં પરમાત્માનંદજી, પૂર્વ નાણામંત્રી- ગવર્નર વજુભાઈ વાળા, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, ડો. દર્શિતાબેન શાહ, મેયર નયનાબેન પેઢડિયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે, રાષ્ટ્રીય એકતા સમિતિના શૈલેષ જાની, ભાજપ મહિલા અગ્રણી કાશ્મીરાબેન નથવાણી, પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ ઉપરાંત મોટી સંખ્યામાં સાધુ-સંતો તેમજ શહેર ભાજપ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.



