9.72 કરોડના લાખના વિકાસ કામોનાં લોકાર્પણ-ખાતમુહૂર્ત થયાં: આદિવાસી રમતવીરોનું સન્માન, લાભાર્થીઓને સરકારી સહાય વિતરણ કરાઈ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિના અવસરે ’જનજાતીય ગૌરવ વર્ષ’ ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તકે રાજકોટ જિલ્લામાં 9.72 કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. આ કાર્યકમમાં રમતગમત ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરનારા આદિવાસી રમતવીરોનું સન્માન તેમજ આદિવાસી યુવતીઓ અને છાત્રાઓને સરકારની યોજનાકીય સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.
શહેરના હેમુ ગઢવી નાટ્યગૃહ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં આદિવાસી સમુદાયના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમના અધ્યક્ષ અને રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણીએ કહ્યું હતું કે, ભગવાન બિરસા મુંડાના જીવનમાંથી સમગ્ર જન સમુદાયને પ્રેરણા મળે છે. તેમના જીવન ઉદ્દેશ્યોને નવી પેઢીએ જાણીને જીવનમાં ઉતારવા જોઈએ.
સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના લોકપાલ અને કાર્યક્રમના મુખ્ય વક્તા ડો. સંજીવ ઓઝાએ ભગવાન બિરસા મુંડાના જીવન પ્રસંગોની વિગતો સાથે પ્રેરક વક્તવ્ય આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ભગવાન બિરસા મુંડા માત્ર અન્યાય સામે લડનારા લડવૈયા જ નહીં, પણ સમાજ સુધારક હતા. બિરસા મુંડાએ બચપણમાં જ સ્વધર્મ, સ્વરાજ અને સનાતન સંસ્કૃતિ સાથે કોઈ સમાધાન નહીં કરવાની આપેલી શીખને જીવનમાં ઉતારવી જોઈએ. જિલ્લા કલેકટર ડો. ઓમપ્રકાશે સ્વાગત પ્રવચન કર્યું હતું. જ્યારે જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદે આભારવિધિ કરી હતી.



