બાઇડનને બંધક બનાવાયા?
જાણીજોઈને ચૂંટણી લડવા ન દીધી: વિપક્ષે જીવતા હોવાના પુરાવા માગ્યા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.24
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન ગયા ગુરુવારે કોરોના પોઝિટિવ જોવા મળ્યા હતા. આ ઘટનાના 5 દિવસ બાદ પણ તે જોવા મળ્યા નથી. લાંબા સમયથી તેમના સ્વાસ્થ્ય અંગે કોઈ અપડેટ જાહેર કરવામાં આવી ન હતી. આ દરમિયાન બાઈડને સોશિયલ મીડિયા પર એક સંદેશ જાહેર કરીને કહ્યું કે તે આગામી ચૂંટણી નહીં લડે. બાઈડનની જાહેરાત બાદથી સોશિયલ મીડિયા પર તેમના સ્વાસ્થ્યને લઈને અટકળો શરૂ થઈ ગઈ છે. ડેઈલી મેઈલના અહેવાલ મુજબ, માત્ર રિપબ્લિકન જ નહીં પરંતુ ડેમોક્રેટ પાર્ટી સાથે જોડાયેલા લોકોને પણ આશંકા છે કે બાઈડન ગંભીર રીતે બીમાર થઈ ગયા છે. સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે બાઈડનની તબિયત ઝડપથી બગડી રહી છે અને તેથી તેમને લોકો સામે લાવવામાં આવી રહ્યા નથી.
રિપબ્લિકન પાર્ટી સાથે સંકળાયેલા કેટલાક યુઝર્સ તો એવો પણ દાવો કરી રહ્યા છે કે બાઈડનને બાનમાં લેવામાં આવ્યા છે. એટલું જ નહીં, એક વિપક્ષી નેતાએ બાઈડન પાસે તેમના જીવિત હોવાના પુરાવા પણ માંગ્યા છે. જો કે, તે દરમિયાન, વ્હાઇટ હાઉસે કહ્યું છે કે બાઈડનના કોવિડ-સંબંધિત લક્ષણો હવે દેખાતાં નથી. તેઓ 25 જુલાઈએ રાષ્ટ્રને સંબોધિત કરશે.
- Advertisement -
યુએસ પ્રમુખ છેલ્લે 17 જુલાઈના રોજ જોવા મળ્યા હતા. જો કે, હજુ સુધી એવા કોઈ સંકેત મળ્યા નથી કે બાઈડન કોઈ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાથી પીડિત છે. જો કે, તે કોઈ ગંભીર બીમારીથી પીડિત છે તો તે રાષ્ટ્રીય સુરક્ષા માટે મોટો મુદ્દો બની શકે છે અને તેના પર નવેમ્બર પહેલાં પદ છોડવાનું દબાણ થઈ શકે છે.
સોમવારે રાત્રે પહેલીવાર કમલા હેરિસે વ્હાઇટ હાઉસમાં અમેરિકન ખેલાડીઓના સન્માન સમારોહમાં હાજરી આપી હતી. બાઈડનના રાષ્ટ્રપતિ પદ માટે સમર્થન પ્રાપ્ત કર્યા પછી તે પ્રથમ વખત જાહેર મંચ પર હતી. આ દરમિયાન તેમણે જો બાઈડનના શબ્દો લોકોને સંભળાવ્યા. જો કે, ઘણા લોકોએ શંકા વ્યક્ત કરી હતી કે તે કોલ રેકોર્ડિંગ હતું અને તેની સાથે છેડછાડ કરવામાં આવી હતી.
આ ઘટના બાદ જો બાઈડનના ગુમ થવાની અફવાઓ ઝડપથી ફેલાઈ અને સોશિયલ મીડિયા પર Where is Jo? ટ્રેન્ડ થવા લાગ્યું. આ સમય દરમિયાન, ઘણી પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે તે હોસ્પિટલમાં દાખલ છે અને તેના બચવાની સંભાવના ઘણી ઓછી છે.
રિપબ્લિકન નેતા લૉરેન બોબર્ટએ બાઈડન જીવતા હોવાનો પુરાવો માગ્યો
37 વર્ષીય રિપબ્લિકન નેતા લોરેન બોબર્ટે સોમવારે પોસ્ટ કરીને સનસનાટી મચાવી દીધી હતી. તેણે અમેરિકન રાષ્ટ્રપતિના જીવિત હોવાના પુરાવા માંગ્યા. બોબર્ટે લખ્યું- બાઈડને કેમેરા સામે આવીને પોતાની રિકવરી વિશે વાત કરવી જોઈએ. મને લાગે છે કે બાઈડનને કદાચ ખબર પણ નહીં હોય કે તે હવે ચૂંટણી નહીં લડે. એન્ટિ-બાઈડન ડાબેરી પત્રકાર ગ્લેન ગ્રીનવાલ્ડે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું કે તે એકદમ વિચિત્ર છે કે યુએસ રાષ્ટ્રપતિએ સોશિયલ મીડિયા દ્વારા ચૂંટણી ન લડવાનું કહ્યું. તેમણે પોતે ટેલિવિઝન પર આવવું જોઈતું હતું અથવા રૂબરૂમાં આવીને પોતાના વિચારો વ્યક્ત કરવા જોઈએ. ગ્રીનવાલ્ડે લખ્યું છે કે સોશિયલ મીડિયા પર બાઈડન સંબંધિત ઘણી ષડ્યંત્રની થિયરીઓ ફરતી થઈ રહી છે. હું તે વાતો ફેલાવવામાં માનતો નથી, પરંતુ તાજેતરના સમયમાં ડેમોક્રેટિક પાર્ટીમાં જે બન્યું છે તે ઐતિહાસિક છે. આ પ્રથમ વખત બન્યું છે કે જે ઉમેદવારને જરૂરી સંખ્યામાં ડેલિગેટ્સનું સમર્થન મળ્યું હોય, તેણે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો. અચાનક સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને ચૂંટણી લડવાની ના પાડવી અને પછી ગાયબ થઈ જવું એ પોતાનામાં એક અનોખી વાત છે. જો તેણે પોતે આ નિર્ણય લીધો હોય તો તેણે લોકોને આ અંગે જાણ કરવી જોઈતી હતી.