નવા વર્ષની શરૂઆતમાં જ ભારતમાં રોકાણને લઈ મોટા સમાચાર, 2024ના પ્રથમ સપ્તાહમાં જ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ (FPIs)એ રૂ. 4000 કરોડથી વધુનું રોકાણ કર્યું
નવા વર્ષની શરૂઆતમાં જ ભારતમાં રોકાણને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. એક તરફ ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે તો બીજી તરફ ભારતીય શેરબજાર પણ નવા શિખરે પહોંચી ગયું છે. વાત જાણે એમ છે કે, ડિસેમ્બરમાં ગયા વર્ષ 2023 ના છેલ્લા મહિનામાં સેન્સેક્સ અને નિફ્ટીએ દરરોજ નવી ઊંચાઈ હાંસલ કરી. તેની પાછળ ઘણા કારણો ઉપરાંત ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણકારોનો વિશ્વાસ પણ સામેલ હતો, જે નવા વર્ષમાં પણ ચાલુ રહ્યું છે. આનો અંદાજો આ આંકડા પરથી લગાવી શકાય છે કે 2024ના પ્રથમ સપ્તાહમાં જ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ (FPIs)એ રૂ. 4000 કરોડથી વધુનું રોકાણ કર્યું છે.
- Advertisement -
ગયા અઠવાડિયે રૂ.4800 કરોડનું રોકાણ આવ્યું
એક અહેવાલ મુજબ વિદેશી રોકાણકારો એટલે કે FPIs ભારતીય શેરબજાર પ્રત્યે ફીદા રહ્યા છે અને સતત નાણાંનું રોકાણ કરી રહ્યા છે. ભારતની આર્થિક સ્થિતિ અને ઝડપથી વિકસતા અર્થતંત્ર અંગે આશાવાદી FPIsએ જાન્યુઆરી 2024ના પ્રથમ સપ્તાહમાં શેરબજારમાં રૂ. 4,800 કરોડનું રોકાણ કર્યું છે. આ સિવાય જો આપણે ડિપોઝિટરી ડેટા પર નજર કરીએ તો આ સમયગાળા દરમિયાન FPIs એ લોન અથવા બોન્ડ માર્કેટમાં 4,000 કરોડ રૂપિયાનું રોકાણ પણ કર્યું છે.
ગયા વર્ષે શેરબજારમાં કેટલાં નાણાંનું રોકાણ કરવામાં આવ્યું ?
આ તરફ હવે ગયા વર્ષે શેરબજારમાં કેટલાં નાણાંનું રોકાણ કરવામાં આવ્યું તેના આંકડાઓ પર નજર કરીએ ત ભારતીય બજારોમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો દ્વારા કરાયેલા રોકાણના આંકડા ઉત્તમ રહ્યા છે. એકંદરે 2023માં FPI એ ભારતીય શેરબજારોમાં રૂ. 2.4 લાખ કરોડનું રોકાણ કર્યું છે. તેમાંથી રૂ. 1.71 લાખ કરોડનું રોકાણ શેરોમાં કરવામાં આવ્યું છે, જ્યારે રૂ. 68,663 કરોડનું રોકાણ ડેટ કે બોન્ડ માર્કેટમાં કરવામાં આવ્યું છે.
જીઓજીત ફાઇનાન્શિયલ સર્વિસિસના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વી.કે.વિજયકુમારના જણાવ્યા અનુસાર ડિસેમ્બર 2022માં ઇનફ્લો મજબૂત રહ્યો હતો. ગયા વર્ષની જેમ 2024માં પણ શેર્સ ઉપરાંત ડેટ માર્કેટમાં એફપીઆઈનો પ્રવાહ પણ સારો રહેવાની ધારણા છે. જો છેલ્લા બે મહિનામાં બજારોમાં કરવામાં આવેલા વિદેશી રોકાણ સાથે સરખામણી કરવામાં આવે તો જાન્યુઆરી મહિનામાં 5 જાન્યુઆરી સુધી ભારતીય શેરોમાં 4,773 કરોડ રૂપિયાનું ચોખ્ખું રોકાણ કરવામાં આવ્યું છે. અગાઉ ડિસેમ્બર 2023માં વિદેશી રોકાણકારોએ શેરમાં રૂ. 66,134 કરોડનું રોકાણ કર્યું હતું, જ્યારે નવેમ્બર 2023માં આ આંકડો રૂ. 9,000 કરોડ હતો.