મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટનામાં અનેક પરિવારોએ પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે. ચાર વર્ષના બાળકે તેના માતા-પિતાને તો કોઈ એક પરિવારના 6 લોકોને ભરખી ગયો આ ઝૂલતો પુલ.
મોરબીમાં મોડી સાંજે ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટનાને કારણે રાજ્યભરમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. આ દુર્ઘટનામાં 400થી વધુ લોકો મચ્છુ નદીમાં ખાબક્યા હતા. જેમાં અત્યાર સુધી 25થી વધુ બાળકો સહિત 141થી વધુના મોત થયા હોવાનું સામે આવ્યું છે જ્યારે મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે. મોરબીની દુર્ઘટનાને લઇને રાજ્ય આખું ધ્રુજી ઉઠ્યું છે.
- Advertisement -
ઝૂલતા પુલની દુર્ઘટનામાં 4 વર્ષના બાળકે ગુમાવી માતા-પિતાની છત્રછાયા
મોરબી માટે રવિવારની સાંજ ગોઝારી સાબિત થઈ. ગઈકાલે સાંજે 6:30 વાગ્યાની આસપાસ ઝૂલતો પુલ ધરાસાયી થયો ને એકસાથે 400થી વધુ લોકો મચ્છૂ નદીમાં પડ્યાં જેમાં અત્યાર સુધી 141 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને મચ્છુ નદીમાં હજુ પણ અનેક મૃતદેહો ફસાયા હોવાની આશંકા છે. આ જીવ ગુમાવનાર લોકોમાં માતા-પિતા સાથે 4 વર્ષનો માસૂમ જિયાંશના પણ માતાપિતા શામેલ છે. મૂળ હળવદ શહેરના હાર્દિક ફળદુ મોરબીમાં સીએ તરીકે કામ કરતા હતા. પત્ની મીરલ ફળદુ અને ચાર વર્ષનો દીકરા જિયાંશ સાથે ઝૂલતા પુલ પર ફરવા માટે ગયા હતા. દુર્ઘટના સર્જાઇ ત્યારે જિયાંશ પણ તેના માતાપિતા સાથે આ પુલ પર હાજર હતો અને પુલ તૂટતાં આખો પરિવાર નદીમાં ખાબક્યો હતો. દુર્ઘટનામાં જિયાંશના માતા-પિતાએ પોતાનો જીવ ગુમાવ્યો પણ આ ચાર વર્ષના માસૂમનો આબાદ બચાવ થયો. પણ મોરબીની આ દુર્ઘટના એ 4 વર્ષની ઉંમરમાં જ માસૂમ પાસેથી માતા-પિતાની છત્રછાયા છીનવી લીધી છે. જિયાંશ સહિત આ ઝૂલતા પુલની દુર્ઘટનામાં અનેક પરિવારોએ પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે.
મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની ગોઝારી ઘટનાના સીસીટીવી સામે આવ્યા…
જુઓ કેવી રીતે બની આ દર્દનાક કરુણાંતિકા pic.twitter.com/OvBKnjIUBU
- Advertisement -
— Khas-Khabar Rajkot (@khaskhabarrjt) October 31, 2022
પરિવારના 6 લોકોને ભરખી ગયો આ ઝૂલતો પુલ
તહેવારનો સમય હોવાથી રાજ્યના અલગ અલગ ખૂણેથી ઘણા પરિવારો ઝૂલતા પુલ પરની મજા માણવા માટે આવ્યા હતા પણ ઝૂલતો પુલ તૂટવાની આ રૂહકાંપ ઘટનામાં રાપરનાં હલીમાબેનનું સર્વસ્વ લૂંટાઈ ગયું. હલીમાબેને આ દુર્ઘટનામાં પોતાના પરિવારના 6 લોકો ગુમાવ્યા છે. રાપરથી એમની છોકરીની નણંદની સગાઇમાં આવેલ હલીમાબેને સ્વપ્ને પણ નહીં વિચાર્યું હોય કે કોઈ આવી દુર્ઘટના કાળ બનીને તેના પરિવારને ભરખી જશે. આ દુર્ઘટનામાં હલીમાબેને તેમની દીકરી, જમાઈ અને તેમની દીકરીની 7 વર્ષની દીકરી અને 4 વર્ષનો દીકરા સાથે એમના જેઠ અને તેના દીકરાને ગુમાવી દીધા.
ફરવા ગયેલ એક જ ઘરના 8 લોકો ઝૂલતા પુલ પરથી પડ્યાં
મજૂરી કામ કરતાં આરીફશા નૂરશા શાહમદાર તહેવારના મોકા પર તેના પરિવાર સાથે આ ઝુલતા પુલ પર ફરવા ગયા હતા. સાથે જ જામનગરથી તેમના બેન અને તેનો પરિવાર પણ મોરબી ફરવા આવ્યો હતો. આખા પરિવાર સાથે જ્યારે આરીફશા પુલ પર હાજર હતા ત્યારે જ આ દુર્ઘટના બની હતી અને નદીમાં આખો પરિવાર ખાબક્યો હતો. આરીફશા ટ બચી ગયા પણ તેમના પત્ની અને 5 વર્ષીય દીકરાને આ ઝુલતો પુલ ભરખી ગયો હતો. આ સિવાય તેમની દીકરી સહીત પરિવારના 4 લોકો હજુ પણ લાપતા છે.
અત્યાર સુધીના તમામ અપડેટ:
– મોરબીમાં ઝૂલતો પૂલ તૂટી જતાં દુર્ઘટના: અત્યાર સુધીમાં 141 લોકોના મૃત્યુ થયા હોવાની પુષ્ટિ
– ઘટનાની જાણ થયા બાદ PM મોદીએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે જ્યારે ગૃહમંત્રી અમિત શાહે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે કરી વાતચીત
– CM ભૂપેન્દ્ર પટેલ તમામ કાર્યક્રમો રદ્દ કરી મોરબી પહોંચ્યા, આખી રાત રેસ્ક્યૂ કામોને લઈ કર્યા પ્રયાસ
– આખી રાત સેનાની ટુકડીઑ, NDRF-SDRF ની મદદથી કરવામાં આવ્યું રેસ્ક્યૂ ઓપરેશન
– મૃતકોના પરિજનો માટે કેન્દ્ર સરકારે 2 લાખ અને રાજ્ય સરકારે 4 લાખ રૂપિયાના વળતરની કરી જાહેરાત
– તંત્રએ જાહેર કર્યો હેલ્પલાઈન નંબર: 02822 243300
– મુખ્યમંત્રીએ 5 સભ્યોની હાઈપાવર કમિટીનું કર્યું ગઠન, રાત્રે 2 વાગ્યાથી જ તપાસનો ધમધમાટ શરૂ
– દુર્ઘટનાને ધ્યાને રાખી PM મોદીએ રોડ શો તથા સ્નેહમિલનના કાર્યક્રમ કર્યા રદ્દ, ગુજરાતભરમાં અનેક સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમ રદ્દ કરી દેવામાં આવ્યા
– જવાબદારો સામે કલમ 304,308,114 મુજબ કેસ દાખલ કરવામાં આવ્યો