રાજ્ય સરકારની મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ બ્રિજ નિર્માણ માટે સૈદ્ધાંતિક મંજૂરી
મનપા દ્વારા ડિઝાઇન તૈયાર કરી અને અંદાજિત ખર્ચ પણ દર્શાવવામાં આવ્યો હતો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ફાટકમુક્ત શહેર અભિયાન અંતર્ગત સરકારની મંજૂરી મળતા હવે ગોંડલ રોડ વિસ્તારની ટ્રાફિક સમસ્યામાં હજારો વાહનચાલકોને રાહત મળશે. શહેરને ફાટકમુક્ત બનાવવાના રાજ્ય સરકારના અભિયાન અંતર્ગત રાજકોટના ગોંડલ રોડ પર માલવિયા ફાટક પાસે રૂ.40.83 કરોડના ખર્ચે અંડરબ્રિજ બનાવવાને રાજ્ય સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે અને એકાદ વર્ષમાં આ બ્રિજ નિર્માણ પામશે. રાજકોટ વિધાનસભા 70ના ધારાસભ્ય રમેશભાઇ ટીલાળાએ જણાવ્યું હતું કે, પીડીએમ રેલવે ફાટક શહેરની મધ્યામાં આવેલું છે અને ફાટક બંધ થવાને કારણે ટ્રાફિકની જટિલ સમસ્યા થાય છે, આ સમસ્યા દૂર કરવા માટે પીડીએમ ફાટકે અંડરબ્રિજ બનાવવામાં આવે તેવી તેમના તરફથી એક વર્ષથી રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવતી હતી, પીડીએમ ફાટકે કેવો અંડરબ્રિજ બની શકે તેની મહાનગરપાલિકા દ્વારા ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી અને અંદાજિત ખર્ચ પણ દર્શાવવામાં આવ્યો હતો.
- Advertisement -
પીડીએમ ફાટકે મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ મનપાના અંડરબ્રિજના નિર્માણ માટે રૂ.40.83 કરોડના ખર્ચને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે, પીડીએમ ફાટકે અંડરબ્રિજ બનવાથી વાહનચાલકોને રાહત મળશે, ફાટક બંધ હોય ત્યારે વાહનચાલકોને લાંબો સમય ઉભા રહેવું પડે છે અને ઇંધણનો વ્યય થાય છે પરંતુ અંડરબ્રિજ થવાથી ઇંધણની બચત થશે અને ટ્રાફિક સમસ્યા હળવી બનશે.



