દર અડધી કલાકે રેલવે ફાટક 10 મિનિટ બંધ રહેતાં વાહનોના થપ્પા લાગે છે; ટીઆરબી જવાનોની ઘટ અને વૈકલ્પિક માર્ગોનો અભાવ મુખ્ય કારણ
ખાસ-ખબર ન્યૂઝ મોરબી
- Advertisement -
મોરબી શહેરમાં રોડ-રસ્તા અને બ્રિજ નિર્માણની કામગીરીને કારણે વાહન વ્યવહાર ડાયવર્ટ કરાયો છે, જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા મહાભયંકર બની ગઈ છે. શહેરની મધ્યમાંથી પસાર થતી રેલવે લાઈન પર ટ્રેનોની વધુ અવરજવરને કારણે દર અડધી કલાકે ફાટક બંધ થઈ રહી છે, જે આ સમસ્યાને વધુ ગંભીર બનાવી રહી છે. નટરાજ ફાટક, વીસી ફાટક અને નવલખી ફાટક પર સ્થિતિ દયનીય છે. દિવસ દરમિયાન ડેમુ અને માલગાડીની અંદાજે 18 જેટલી ટ્રીપના કારણે ફાટક ઓછામાં ઓછી 10 મિનિટ સુધી બંધ રહે છે. આ ટ્રાફિક નોર્મલ થતાં અડધો કલાક લાગે ત્યાં ફરી ટ્રેનનો સમય થઈ જાય છે. જિલ્લા ટ્રાફિક પીઆઇ હંસાબેન ઘેલાએ જણાવ્યું હતું કે, હાલમાં 20 ટીઆરબી જવાન અને 15 કાયમી પોલીસ કર્મીઓની ઘટ છે, જે ભરવામાં આવે તો સમસ્યા આંશિક હલ થઈ શકે. મુખ્ય રસ્તાઓ બંધ હોવાથી વાહનો ગાંધી ચોક, વિજય સિનેમા અને વીસી ફાટક તરફના વન-વે રોડ પર જવા મજબૂર બનતા દિવસભર વાહનોના થપ્પા લાગે છે. જો રેલવે તંત્ર દ્વારા દિવસ દરમિયાન ડેમુ ટ્રેનને મોરબી સ્ટેશનને બદલે નઝરબાગ સુધી જ દોડાવે અને ગુડ્સ ટ્રેન રાત્રિના સમયે દોડાવે તો મોટાભાગની સમસ્યાનું નિવારણ આવી શકે છે.



