ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.31
જૂનાગઢ શહેરના સતત ધમધમતા એવા ટીંબાવાડી રોડ પર દીપાંજલિ સોસાયટી પાસે એક બેફામ દોડતા ટ્રકે મારુતિ કારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ કે મોટી ઈજાના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ અકસ્માતને પગલે રસ્તા પર લાંબો ટ્રાફિકજામ સર્જાતા વાહનચાલકો મુશ્ર્કેલીમાં મુકાયા હતા. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, મેંદરડા અને સાસણ જવા માટે શહેરમાં હજુ સુધી કોઈ વૈકલ્પિક બાયપાસ રોડ બનાવવામાં આવ્યો નથી. આથી, ભારે લોડિંગ વાહનો અને ટ્રકો ટીંબાવાડી જેવા રહેણાંક અને વ્યસ્ત વિસ્તારમાંથી પસાર થાય છે, જે વારંવાર અકસ્માતનું કારણ બને છે. ટીંબાવાડી રોડ પર વધતા જતા ટ્રાફિક અને અકસ્માતોને રોકવા માટે હવે મેંદરડા સાસણ તરફનો બાયપાસ બનાવવો અનિવાર્ય બન્યો છે. વારંવાર રજૂઆતો છતાં આ પ્રશ્ર્ન વણઉકેલ્યો રહેતા સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.



