કાલે શુક્રવારે રાત્રે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરાશે
રજા બાદ શ્રાવણ માસનો સોમવાર હોય સોમનાથમાં ભાવિકો ઉમટી પડશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
કોરોના કાળ બાદ ચાલુ વર્ષે જન્માષ્ટમીની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવશે. રજાના દિવસો હોય મોટી સંખ્યામાં લોકો જૂનાગઢ અને ગીર સોમનાથ તરફ આવી રહ્યા છે. ત્યારે જન્માષ્ટમીની રજામાં જૂનાગઢના ભવનાથ અને સોમનાથ મંદિરે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડવાની સંભાવના છે. તેમજ કૃષ્ણ જન્મને લઇ ઠેર ઠેર તૈયારીઓ કરવામાં આવી રહી છે. વિશ્વ પ્રસિધ્ધ પ્રથમ જયોતિર્લીંગ ભગવાન સોમનાથ મહાદેવના દર્શનાર્થે દેશભરમાંથી ભાવિકોનો પ્રવાહ અવિરત વહી રહેલ જેમાં શ્રાવણ માસના ચોથા સોમવારની સાથો સાથ જન્માષ્ટમીના તહેવારમાં ભાવિકોની સંખ્યામાં વધારો થશે.સાતમ, આઠમ, નોમના દિવસો દરમ્યાન સોમનાથ મહાદેવના દર્શને લાખો ભાવિકો ઉમટી પડવાની સંભવનાં છે, જયારે ભાલકા તિર્થ ખાતે જન્માષ્ટમી પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવશે. શ્રાવણ માસએ ભકિત અને શકિતનો માસ છે.
શિવપુરાણમાં ઉલ્લેખ છે કે, સાક્ષાત શિવજી આ પવિત્ર શ્રાવણ માસમાં કૈલાસ પરથી ધરતી પર આવે છે. આ મહિનામાં ભોળાનાથની ભાવપૂર્વક ભકિત કરવાથી સાત જન્મોના પાપોનો નાશ થાય છે અને આધિ, વ્યાધિ તથા ઉપાધિમાંથી મહાદેવ તેના ભકતોને ઉગારે છે. ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્માને પ્રિય એવા ભાલકા તિર્થ ખાતે જન્માષ્ટમી પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવશે. વિવધ પૂષ્પો અને શુશોભનોથી મંદિરને શણગારવામાં આવશે. અને દિવસ દરમ્યાન ભક્તો દર્શન કરી કૃતકૃત્ય અનુભવશે. રાત્રે કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે વિશેષ પૂજન, આરતી કરવામાં આવશે. સોમનાથ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસના ચતુર્થ સોમવાર અને જન્માષ્ટમી નિમિત્તે ધ્વજાપૂજા કરવામાં આવશે.10 તત્કાલ મહાપૂજા, સુવર્ણ કળશ પૂજા, રૂદ્રાભિષેક કરવામાં આવશે.
જન્માષ્ટમીના તહેવાર દરમ્યાન વીક એન્ડના શનિ, રવિ રજા આવેશે. જૂનાગઢ શહેરમાં સાતમ, આઠમના તહેવારને લઇ દરેક શહેરીજનોમાં ભારે ઉમંગ અને ઉત્સાહ અને થનગનાટ જોવા મળી રહ્યો છે. સોમવારે બોળચોથ ઉજવણી કરાઇ હતી. ગૌશાળામાં જઇ બહેનોએ ગાય માતાનું પૂજન કરી આશિર્વાદ મેળવ્યા હતા. જ્યારે મંગળવારે નાગપંમીની ઉજવણી કરાઇ હતી. બુધવારે રાંધણછઠ્ઠની ઉજવણી કરાઇ હતી. અનેક ઘરોમાં ફરસાણ, મિઠાઇ બનાવ્યાં હતા.જોકે, હવે તૈયારનું ચલણ વધી ગયું હોય શહેરમાં અનેક સ્થળોએ મિઠાઇ, ફરસાણના સ્ટોલો લાગ્યા છે જ્યાં ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી હતી. લોકો અત્યારથી જ ફરસાણ, મિઠાઇની ખરીદી કરી રહ્યા છે. ગુરૂવારે શિતળા સાતમની ઉજવણી કરાશે. અનેક ઘરોમાં ચૂલાને ઠંડા કરી દેવાશે અને ગરમ વસ્તુ નહી બનાવાય. જ્યારે શુક્રવારે મોડી રાત્રિના ઘેરઘેર નંદઘેર આનંદ ભયો, જય કનૈયાલાલકીના નાદ સાથે કૃષ્ણ જન્મોત્સવની ભારે ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવશે. મોડી રાત્રિના અનેક મંદિરોમાં પણ કૃષ્ણ જન્મોત્સવને વધાવવામાં આવશે. જ્યારે શનિવારે મટકી ફોડના કાર્યક્રમો કરાશે. આમ, સાતમ આઠમના તહેવારને લઇ લોકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.