રાણીવાસમાં દેવ દિવાળીની પરંપરાગત ઉજવણી
કાર્તિકી પૂર્ણિમાએ જગતમંદિરના સ્વર્ગ દ્વારે ભાવિકોની હકડેઠઠ ભીડ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
દ્વારકા યાત્રાધામમાં ગઈકાલે વિક્રમ સંવત 2080ની પ્રથમ પૂર્ણિમા એટલે કે કાર્તિકી પૂનમનું સ્નાન તેમજ ઠાકોરજીના દર્શન કરવા હજારો ભાવિકો ઉમટ્યા હતા. ગઈકાલે વહેલી સવારથી જ છપ્પન સીડીએ સ્વર્ગ દ્વાર તેમજ મોક્ષ દ્વારથી જગતમંદિરમાં પ્રવેશી કાળિયા ઠાકોરજીના દર્શન કર્યા હતા. ભાવિકો ઠાકોરજીના દિવ્ય દર્શન નિહાળી ભાવવિભોર થયા હતા.
સાંજના સમયે જગતમંદિરના નિજસભાખંડમાં તેમજ રાણીવાસના મંદિરોને 11 હજાર દિવડાઓની હારમાળા રચી સુશોભિત કરવામાં આવ્યું હતું. આ સાથે રાણીવાસના લક્ષ્મીજી મંદિરના પટાંગણમાં વિશેષ રંગોળી પણ કરવામાં આવી હતી. જેની સાથે સમગ્ર રાણીવાસ 11 હજાર દિવડાઓથી ઝગમગી ઉઠ્યું હતું.
પવિત્ર ગોમતી સ્નાન બાદ ઠાકોરજીના દિવ્ય દર્શન નિહાળવાની પરંપરા અનુસાર વહેલી સવારથી જ હજારો ભાવિકો મંગલા દર્શને ઉમટ્યા હતા. સવારે શૃંગાર આરતીએ ઠાકોરજીને ગુલાબી વાઘા અને દિવ્ય અલંકાર સાથેના વિશિષ્ટ શૃંગાર વારાદાર પ્રવિણભાઈ પુજારી પરિવાર દ્વારા કરાયા હતા. જે દિવ્ય દર્શનનો લાભ હજારો ભાવિકોને પ્રાપ્ત થયો હતો.
દ્વારકા જગતમંદિરે દેવદિવાળીની પરંપરાગત ઉજવણી કરાઈ: ભાવિકો ભાવવિભોર
દ્વારકાધીશ જગતમંદિરમાં ગઈકાલે કાર્તિક પૂર્ણિમા દેવતાઓની દિવાળી એટલે કે દેવ દિવાળી પર્વની પરંપરાગત રીતે ઊજવણી કરવામાં આવી હતી. ગઈકાલે સવારે શૃંગાર આરતી સમયે રોજ ઠાકોરજીને વિશિષ્ટ પરિધાનો સાથેનો શૃંગાર કરવામાં આવ્યો હતો. બપોરે રાજભોગમાં ઠાકોરજીને વિશેષ અદકી ભોગ જેમાં કાજુ બદામનો મેસુબ, બાલુશાય કાજુકત્રી કટલેસ કચોરી ચવાણુ – વગેરે ફરસાણ સાથેનો ભોગ ધરવામાં આવ્યો હતો.



