ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં ટુ-વ્હીલર ચાલકો અને પાછળ બેસનાર માટે ફરજિયાત હેલ્મેટનું પોલીસ દ્વારા અમલીકરણ શરૂ કરાવ્યુ છે. અગાઉથી જ અનેક વેપારીઓએ હેલ્મેટનો સ્ટોક કર્યો હતો ત્યારે પ્રથમ દિવસે એકાએક હેલ્મેટની માંગ વધુ જોવા મળી હતી. જેમાં હેલ્મેટનું વેચાણ કરતી દુકાનોમાં રાતોરાત લોકોની ભીડ ઉમટી પડી હતી. તો બીજી બાજુ અનેક પાથરવાળા પણ શહેરના ફૂટપાથ પર હેલ્મેટ વેચવા લાગ્યા હતા. જો કે ફરજિયાત હેલ્મેટ મુદ્દે સામાન્ય નાગરિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને આ મુદ્દો છેક ગાંધીનગર સુધી પહોંચી ગયો હતો.
- Advertisement -
ત્યારે રાજકોટના ધારાસભ્યોએ કરેલી રજૂઆતમાં સરકારે પણ કૂણૂ વલણ અપનાવ્યુ છે અને દંડ નહીં લઇ લોકોને હેલ્મેટ પહેરવા અંગે જાગૃત કરવાની ખાતરી આપવામાં આવતા લોકોને પણ રાહત થઇ છે પરંતુ હેલ્મેટનું વેચાણકર્તા પર તેની અસર થઇ રહી હોવાનું ચર્ચાઇ રહ્યુ છે. હેલ્મેટનું વેચાણ કરનાર એક મહિલાએ વ્યથા ઠાલવી જણાવ્યુ કે મે અને મારા પુત્રએ મળીને 50 હજારના હેલ્મેટ વેચાણ માટે લીધા હતા પ્રથમ દિવસે હેલ્મેટ ડ્રાઇવ હોય 17થી 20 હજારના હેલ્મેટનું વેચાણ થયુ છે પરંતુ હવે લોકોને રાહત મળતા એકપણ હેલ્મેટનું વેચાણ થયુ નથી. જેથી અમને મોટું નુકસાન થયુ છે.



