જયશંકર અને રૂબિયોએ અમેરિકા અને ભારત વચ્ચે દ્વિપક્ષીય વેપાર કરાર અંગે વિસ્તૃત ચર્ચા કરી
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયાના અનેક દેશો પર ટેરિફની જાહેરાત સાથે ટ્રેડ વૉર શરૂ કર્યું છે. જે બાદ એશિયા, યુરોપ તથા અમેરિકાના શેર બજારમાં હાહાકાર જેવી સ્થિતિ સર્જાઇ છે. ગઇકાલે ભારતીય શેર બજારમાં પણ લાખો કરોડ રૂપિયાનું ધોવાણ થયું. ભારત સરકાર પર અમેરિકા સાથે ટ્રેડ ( વેપાર કરાર ) કરવાનું દબાણ વધી રહ્યું છે. એવામાં ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો સાથે ટેલિફોનિક વાતચીત કરી છે.
- Advertisement -
જયશંકર અને રૂબિયોએ અમેરિકા અને ભારત વચ્ચે દ્વિપક્ષીય વેપાર કરાર અંગે વિસ્તૃત ચર્ચા કરી. બંને પક્ષે વહેલામાં વહેલી તકે વેપાર કરારને અંતિમ રૂપ આપવા પર સંમતિ દર્શાવી છે. નોંધનીય છે કે અમેરિયકથી બ્રેન્ડન લીંચ હાલમાં જ તેમના પ્રતિનિધિ મંડળ સાથે ભારત સાથે વેપાર અંગે ચર્ચા કરવા માટે દિલ્હી આવ્યા હતા. આ સિવાય જયશંકર અને રૂબિયોએ અન્ય ક્ષેત્રીય તથા વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી.
ભારત અમેરિકા પર ટેરિફ લગાવે તેવી શક્યતા ઓછી
ટ્રમ્પ વહીવટી તંત્ર દ્વારા ભારતમાંથી અમેરિકામાં થતી નિકાસ પર 26 ટકા ટેરિફ લગાવવામાં આવ્યા પછી ભારત દ્વારા અમેરિકા પર જવાબી કાર્યવાહી કરવામાં આવે તેની શક્યતા ઓછી છે. ભારત દ્વિપક્ષીય વેપાર સમજૂતીને વહેલામાં વહેલી તકે અંતિમ સ્વરૂપ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. ટ્રમ્પના ટ્રેડ વોરને કારણે ભારત સહિતના વૈશ્વિક શેર બજારોમાં મોટા પાયે ઘટાડો થયો હોવા છતાં ભારત દ્વારા અમેરિકા પર જવાબી કાર્યવાહી કરવામાં આવવાની સંભાવના ઓછી છે.