તા. 19 જૂલાઈના રોજ રાજકોટ મહાપાલિકાનું જનરલ બોર્ડ યોજાશે
બોર્ડમાં ભાજપ-કોંગ્રેસના 17 કોર્પોરેટર દ્વારા 32 પ્રશ્ર્નો રજૂ કરાશે: 11માં ક્રમે વિપક્ષનો પ્રશ્ર્ન: પ્રથમ 2 અથવા 3 પ્રશ્ર્નમાં જ બોર્ડ પુરુંકરી દેવાશે જેથી વિપક્ષનો વારો ન આવે
- Advertisement -
પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયા સામે કાર્યવાહી માટે ઠરાવ થશે, બાંધકામ પ્લાન મંજૂરી સહિતની કામગીરી ઝડપી બનશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ 19 જૂલાઈના રોજ યોજાશે જેમાં કુલ 32 પ્રશ્નો પૂછવામાં આવશે. ભાજપ અને કોંગ્રેસના મળીને 17 કોર્પોરેટર પ્રશ્ન પૂછશે. જો કે, વિપક્ષનો પ્રશ્ન 11મો છે જે ખાડા અને તૂટેલા રોડ વિશે પ્રશ્ન કરશે. જો કે, દર વખતે જનરલ બોર્ડ 2 અથવા 3 પ્રશ્નમાં જ બોર્ડ પૂર્ણ થઈ જાય છે અને વિપક્ષને બોલવાનો વારો નથી આવતો. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા વેરવિખેર થઇ ગઇ હતી અને ટીપી શાખાનો વહીવટ પણ મહદઅંશે ઠપ થઇ ગયો હતો. દરમિયાનમાં પૂર્વ કમિશનરે ત્રણે ઝોનમાં વર્ગ-1ના ટીપી અધિકારીની ઝોનના વડા તરીકે નિમણૂક કરવા ખાસ જગ્યા ઊભી કરી હતી. જેની પસંદગી પ્રક્રિયા, ઇન્ટરવ્યૂ સહિતની પ્રક્રિયા પૂર્ણ થઇ જતા આગામી તા.19મીના જનરલ બોર્ડમાં મંજૂરી સાથે રાજકોટ શહેરને પ્રથમ વખત ત્રણે ઝોન દીઠ એક-એક ટાઉન પ્લાનર ઓફિસર મળશે.
મુખ્ય કામગીરી તો ટીપી શાખા હસ્તક જ રહેવી જોઇએ તેવી ખુદ અધિકારીઓની લાગણી વચ્ચે હવે ટૂંક સમયમાં ત્રણે ઝોનવાઇઝ કામગીરીનું કેન્દ્રીકરણ થાય તેવી શક્યતા છે. આ ત્રણેય ઝોનના ટીપી ઓફિસર ઉપર મુખ્ય ટાઉન પ્લાનિંગ અધિકારી રહેશે. જે ખાલી જગ્યા ઉપર સરકારે રૂડામાંથી અધિકારી મુક્યા છે. મનપાના ત્રણેય ઝોનમાં હવે ટીપી અધિકારી તરીકે ભાર્ગવ બરવાળિયા, અભિ પટેલ અને હેતલ સોરઠિયાની પસંદગી કરવામાં આવી છે અને આ પસંદગીને જનરલ બોર્ડની મંજૂરીની મહોર લાગ્યા બાદ તેમને અલગ-અલગ ઝોનમાં મુકવામાં આવશે. આ ઉપરાંત જનરલ બોર્ડમાં ટીપીઓ મનસુખ સાગઠિયા સામે કાર્યવાહી માટે ઇડીની દરખાસ્તને મંજૂરી અપાશે.
- Advertisement -
સેન્ટ્રલ ઝોનના પ્રશ્ર્નો, પ્રગતિ હેઠળના કામોના રીવ્યુ અંગે મિટીંગ યોજાઈ
રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયાના અધ્યક્ષ સ્થાને પદાધિકારીઓ તથા વોર્ડ કોર્પોરેટરની ઉપસ્થિતિમાં શુકવારના રોજ સેન્ટ્રલ ઝોનમાં આવેલ વોર્ડ નં.2,3,7,13,14,17 કુલ-6 વોર્ડના કોર્પોરેટરઓ, અધિકારીઓની ઉપસ્થિતિમાં સ્ટેન્ડિંગ કમિટી કોન્ફરન્સ રૂમ ખાતે યોજાઈ હતી. આ મિટીંગમાં વોર્ડના સ્થાનિક સંકલનના પ્રશ્નો, રજુઆતો, પ્રગતિ હેઠળના કામો, નવા કામો તેમજ અન્ય બાબતો અંગે સંકલન કરી ચર્ચા વિચારણા કરવામાં આવી.જેમાં ખાસ કરીને સેન્ટ્રલ ઝોનના વોર્ડ વાઈઝ પ્રગતિ હેઠળના કામો સત્વરે અને સમય મર્યાદામાં પૂર્ણ કરવા,નવા કામોની ટેન્ડર પ્રક્રિયા સત્વરે પૂર્ણ કરવી, કોમન પ્લોટમાં પેવિંગ બ્લોકની સાથે બોર રીચાર્જ ફરજીયાત કરાવવું, સર્વેશ્વર ચોક વોકળાનું કામ તાત્કાલિક પૂર્ણ કરાવવું, કોર્પોરેટરશ્રીની ગ્રાન્ટના કામો ઝડપથી પૂર્ણ કરવા, ચોમાસા બાદ બાકી વિસ્તારમાં ડામર કામ કરવું, સોરઠીયાવાડી વિસ્તારમાં ગાર્ડન નવીનીકરણનું કામ તથા મીલપરાથી કેનાલ રોડ વોકળો પાકો કરવાના કામની વહીવટી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરાવવા અને લગત અધિકારીઓને કામગીરી સત્વરે હાથ ધરવા સૂચના આપવામાં આવી હતી.