રિઝર્વ બેંકનો રીપોર્ટ: પાંચ વર્ષમાં બેંકોએ 10 લાખ કરોડ માંડવાળ પણ કરી દીધા
સામાન્ય લોકો પાસે પઠાણી ઉઘરાણી પણ મોટામાથાઓ સામે લાચારી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ભારતીય બેંકોમાં લોન ડિફોલ્ટરોના કિસ્સામાં સતત વધારા વચ્ચે છેલ્લા પાંચ વર્ષમાં 10 લાખ કરોડની લોન માંડવાળ કરવામાં આવી હોવાનો સત્તાવાર આંકડાકીય રિપોર્ટ જાહેર થયો જ છે ત્યારે ટોપ-50 ડિફોલ્ટરોએ બેંકોને 92570 કરોડમાં નવડાવી નાખી હોવાનું જાહેર થયું છે.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયાના રિપોર્ટમાં આધારે સંસદમાં જાહેર કરાયેલા આંકડા પ્રમાણે 31, માર્ચ, 2022ની સ્થિતિએ ટોપ-50 વિલફૂલ ડિફોલ્ટરો પાસે બેન્કોના 92570 કરોડ લેણા નીકળે છે. આ ડિફોલ્ટરો બેન્કોને નાણા ચૂકવતા નથી. સૌથી મોટા ડિફોલ્ટર તરીકે મેહુલ ચોક્સીની ગીતાંજલી જેમ્સનું નામ છે. તેની પાસેથી બેન્કોને 7848 કરોડ લેવાના થાય છે બીજા ક્રમે ઇરા ઇન્ફ્રા.ના 5879 કરોડ તથા આરઇઆઈ એગ્રોના 4803 કરોડ છે.
નિરવ મોદી કાંડ પછી ચમકેલા મેહુલ ચોક્સીએ એન્ટીગુઆની નાગરિકતા મેળવી લીધી છે અને તેના આધારે ભારતીય કાયદામાંથી છટકી રહ્યો છે. તેને પકડવાના તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા છે. મેહુલ ચોક્સીની જેમ વિજય માલ્યા,જતીન મહેતા, નિરવ મોદી વગેરે પણ કાયદાની ચુંગાલમાં આવતા નથી.
બીજી તરફ સંસદમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને લેખીત જવાબમાં જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં ભારતીય બેન્કોએ 10 લાખ કરોડથી અધિકની લોન માંડવાળ કરી છે અને 1.03 લાખ કરોડની રિકવરી કરવામાં આવી છે. તેઓએ જો કે એવી ચોખવટ કરી હતી કે એનપીએ ખાતામાં ધકેલાતી લોનની રિકવરીના પ્રયત્નો ચાલુ જ રાખવામાં આવે છે.