ગૌતમ ગંભીર લેશે મોટું જોખમ : હર્ષિત રાણાને બદલે અર્શદીપને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળી શકે
ક્રિકેટનાં મેદાન પર જ્યારે પણ ભારત અને પાકિસ્તાનની ટીમો એકબીજા સાથે ટકરાતી હોય છે, ત્યારે આખી દુનિયાની નજર તેનાં પર હોય છે. આ માત્ર ક્રિકેટનાં મેદાન પર બંને ટીમો વચ્ચેની મેચ નથી. ખેલાડીઓએ જીતવા માટે પોતાનું બઘું જ દાવ પર લગાવી દે છે. આ જ કારણ છે કે મેદાન પર ખૂબ જ તણાવ જોવા મળે છે. આવું જ કંઈક આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની મેચમાં જોવા મળી શકે છે. ભારતીય ટીમનો મહા મુકાબલો પાકિસ્તાન સાથે આવતીકાલે દુબઈમાં થશે. આ મેચમાં ભારત અને પાકિસ્તાન જીતવા માટે એડીચોટીનું જોર લગાવશે.
- Advertisement -
હવે આગામી મેચમાં તેની પાસે કટ્ટર હરીફ પાકિસ્તાન છે. દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં બંને ટીમો ટકરાશે. આ મેચમાં કેપ્ટન રોહિત શર્મા અને કોચ ગૌતમ ગંભીરની નજર પોતાનાં શ્રેષ્ઠ 11 ખેલાડીઓની પસંદગી પર રહેશે જે ટીમ ઇન્ડિયા માટે મેચ જીતાડી શકે છે. પાકિસ્તાન સામેની આ મેચ આસાન રહેવાની નથી. આ એ જ મેદાન છે જેનાં પર પાકિસ્તાને 2021 માં ટી20 વર્લ્ડકપમાં ભારતને હરાવ્યું હતું. ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાને 2017 ની ફાઇનલમાં ભારતને હરાવ્યું હતું.
બાંગ્લાદેશ સામેની મેચમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું. જેમને બોલિંગ કરવાની તક મળી તેમણે સારું કામ કર્યું અને જેમને બેટિંગ કરવાની તક પણ મળી તેમણે પણ સારું પ્રદર્શન કર્યું હતું. જોકે તેમ છતાં ગંભીર જોખમ ઉઠાવી શકે છે અને તેનાં મનપસંદ ખેલાડીને બહાર રાખી શકે છે. આ ખેલાડી છે હર્ષિત રાણા. રાણાએ બાંગ્લાદેશ સામે ત્રણ વિકેટ ઝડપી હતી, પરંતુ પાકિસ્તાન સામે તે તેનાં સ્થાને ડાબોડી ફાસ્ટ બોલર અર્શદીપ સિંઘને તક આપી શકે છે
અર્શદીપને પાકિસ્તાન સામે રમવાનો અનુભવ છે. જોકે તે માત્ર ટી-20 જ રમ્યો છે, પણ તે જાણે છે કે, પાકિસ્તાનનાં બેટ્સમેનોને કેવી રીતે ફસાવવા. વર્ષ 2022માં રમાયેલી ટી-20 વર્લ્ડ કપમાં અર્શદીપે પાકિસ્તાનનાં ટોપ ઓર્ડરને ધ્વસ્ત કરી દીધો. 2024માં પણ તે પાકિસ્તાન સામે અસરકારક સાબિત થયો હતો.
- Advertisement -
વિરાટ કોહલી પર નજર રહેશે
ઓપનિંગ ગિલ અને રોહિત કરશે. પાકિસ્તાન સામેની મેચ પર બધાંની નજર વિરાટ કોહલી પર પણ રહેશે, જે પાકિસ્તાન ટીમ સામે કમાલ કરતો જોવા મળે છે. શ્રેયસ અય્યરે ચોથા નંબર પર આવશે. અક્ષર પટેલ, હાર્દિક પંડ્યા પણ રમવાનાં છે. કુલદીપ અને મોહમ્મદ શમી પણ રમવાનાં છે.
પાકિસ્તાનનાં દિગ્ગજ ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદીનું માનવું છે કે ભારત સ્પષ્ટ રીતે મજબૂત ટીમ છે, કારણ કે તેની પાસે પાકિસ્તાનની તુલનામાં નોંધપાત્ર મેચ વિજેતા ખેલાડીઓ છે. કરાચીમાં ચેમ્પિયન્સ ટ્રોફીની પ્રથમ મેચમાં પાકિસ્તાને ન્યુઝીલેન્ડ સામે 60 રને પરાજયનો સામનો કરવો પડ્યો હતો, ત્યારબાદ ભારત સામેની મેચ જીતવી તે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. બીજી તરફ, ભારતે ગુરુવારે બાંગ્લાદેશ સામે છ વિકેટથી જીત મેળવી હતી અને જીત્યાં બાદ આ ‘હાઇ-વોલ્ટેજ’ મેચમાં પ્રવેશ કરશે.
શાહિદે કહ્યું કે “જો આપણે મેચ વિજેતાઓ” વિશે વાત કરીએ તો ભારત પાસે પાકિસ્તાન કરતાં વધુ મેચ વિજેતા’ ખેલાડીઓ છે. મેચ વિજેતા તે છે જે મેચ એકલા હાથે જીતાડી શકે છે. તેમણે કહ્યું કે હાલમાં પાકિસ્તાન પાસે આવાં ખેલાડીઓ નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચે તારીખ 23 મી ફેબુ્રઆરીએ દુબઈમાં આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની મેચ રમાશે. આ મેચ પહેલા બંને ટીમો પ્રેક્ટિસ સેશનમાં વ્યસ્ત છે. ભારત પોતાની પ્રથમ મેચ જીતીને આત્મવિશ્ર્વાસના સાતમાં આસમાને છે, ત્યારે પાકિસ્તાન માટે મુશ્કેલ સમય છે.
ન્યૂઝીલેન્ડ સામે ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆતની મેચ હાર્યા બાદ તે ગ્રુપ એમાં સૌથી નીચે છે. પરંતુ આ મેચ પહેલાં પૂર્વ ક્રિકેટર અતુલ વાસને ખુલાસો કરીને બધાને ચોંકાવી દીધાં હતાં કે તે ઈચ્છે છે કે રવિવારે દુબઈમાં ચેમ્પિયન્સ ટ્રોફીની બ્લોકબસ્ટર મેચમાં પાકિસ્તાન ભારત સામે જીતે. તેમણે કહ્યું કે હું ઇચ્છું છું કે પાકિસ્તાન જીતે કારણ કે ટૂર્નામેન્ટની દ્રષ્ટિએ તે મનોરંજક રહેશે. જો પાકિસ્તાન નહીં જીતે તો તે બહાર થશે અને ફરીથી ભારત પાકિસ્તાન મેચ નહિ થઈ શકે. જો પાકિસ્તાન જીતશે તો તે હરીફાઈમાં બની રહેશે.
પાકિસ્તાનની ટીમમાં પણ ઘણાં ફેરફારો થશે
ભારત અને પાકિસ્તાન રવિવાર, 23 ફેબ્રુઆરીએ દુબઈ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ ખાતે રમવામાં આવશે. ભારતીય સમય મુજબ, આ મેચ બપોરે 2 : 30 થી શરૂ થશે. જ્યારે ટીમ ઈન્ડિયાએ ચેમ્પિયન્સ ટ્રોફીમાં જીત સાથે તેનું અભિયાન શરૂ કર્યું છે, ત્યારે પાકિસ્તાને તેમની પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
હવે જો પાકિસ્તાનની ટીમ ભારતથી હારી જાય છે, તો પછી લીગ સ્ટેજથી જ ટૂર્નામેન્ટમાંથી બહાર થશે. પાકિસ્તાન વિશે વાત કરતાં, તેમની ટીમમાં કેટલાક ફેરફારો થવાની ખાતરી છે. ઈજાને કારણે સ્ટાર ઓપનર ફખર જમાં ટૂર્નામેન્ટની બહાર છે. તેમની જગ્યાએ, વરિષ્ઠ બેટ્સમેન ઇમામ ઉલ હક ટીમમાં પ્રવેશ કર્યો છે. આ સિવાય, સાઉદ શકીલનું નબળું સ્વરૂપ પણ ટીમ માટે ચિંતાનો વિષય છે. વિકેટકીપર બેટ્સમેન ઉસ્માન ખાનને સાઉદ શકેલની જગ્યાએ ભારત સામે તક મળી શકે છે. આ સિવાય, કામરાન ટીમમાં સ્થાન મેળવવાનો દાવેદાર પણ છે. બોલિંગ વિભાગમાં કોઈ ફેરફારની અપેક્ષા નથી.
ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિ.કી.), અક્ષર પટેલ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, મોહમ્મદ શમી.
પાકિસ્તાનની સંભવિત પ્લેઈંગ ઈલેવન
ઇમામ-ઉલ-હક, બાબર આઝમ, મોહમ્મદ રિઝવાન (સી એન્ડ વિ.કી.), સલમાન આગા, તૈયબ તાહિર/કામરાન ગુલામ, ખુશદિલ શાહ, નસીમ શાહ, શાહીન શાહ આફ્રિદી, હરીસ રઉફ, અબરાર અહેમદ.